ડિસ્લેક્સિયા શું છે ?
ડો. ક્રિષ્નન જણાવે છે કે, ડિસ્લેક્સિયા એક પ્રકારની માનસિક સ્થિતિ છે, જેમાં બાળક કોઇપણ પ્રકારની માહિતી મેળવવામાં, તેની સમજૂતી મેળવવામાં અને તેનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે. તે લર્નિંગ ડિસોર્ડર (શીખવામાં સમસ્યા) તરીકે પણ ઓળખાય છે. આ સ્થિતિ બાળકની શૈક્ષણિક અને સાથે જ રમત-ગમત જેવી રોજિંદી પ્રવૃત્તિઓમાં પણ અવરોધ ઊભો કરે છે. આંકડા દર્શાવે છે કે, આશરે 10 ટકા બાળકો શીખવા સંબંધિત સમસ્યા (ડિસોર્ડર) ધરાવતાં હોય છે. અર્થાત્, વર્ગમાં જો 30 બાળકો હોય, તો તેમાંથી ત્રણ બાળકોને આ સમસ્યા હોઇ શકે છે.
કારણો અને લક્ષણો
ડિસ્લેક્સિયા એ નર્વસ સિસ્ટમ દ્વારા પ્રેરિત ન્યૂરોલોજિકલ ડિસોર્ડર છે અને તે પાછળ આનુવંશિક કારણો જવાબદાર હોઇ શકે છે. આ કોઇ શારીરિક બિમારી ન હોવાથી માત્ર બાળકનું આરોગ્ય તપાસીને તેનાં લક્ષણોની ઓળખ કરી શકાતી નથી. સામાન્યપણે બાળક શાળાએ જતું થાય, ત્યાર પછી તેનાં લક્ષણો જાણી શકાય છે, કારણ કે, તે સમયે તેઓ નવી ભાષા તથા અન્ય ચીજો શીખવાનું શરૂ કરે છે. લર્નિંગ ડિસોર્ડર મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છેઃ
ડિસ્લેક્સિયા: જેમાં બાળકને શબ્દો વાંચવામાં મુશ્કેલી અનુભવાય છે.
ડિસગ્રાફિયા: જેમાં બાળક યોગ્ય રીતે લખી શકતું નથી.
ડિસ્કેલ્કુલિયા: જેમાં બાળકને ગણિત સમજવામાં મુશ્કેલી પડે છે.
ડો. ક્રિષ્નનના જણાવ્યા પ્રમાણે, ડિસ્લેક્સિયા કોઇ માનસિક બિમારી નથી અને તે સ્થિતિના કારણે બાળકોએ જે યાતના સહન કરવી પડે છે, તે સાધારણ કે સાધારણ કરતાં વધુ બૌદ્ધિક ક્ષમતા ધરાવતી હોય છે. આવાં બાળકો ઉત્કૃષ્ટ વક્તા બની શકે છે. જોકે, સામાન્યપણે તેમને દિશા સમજવામાં, અક્ષરો ઓળખવામાં અને સામાન્ય અને અવળા (બદલાયેલો ક્રમ ધરાવતા) અક્ષરો વચ્ચેનો તફાવત સમજવામાં, સાચાં વાક્યો ગોઠવવામાં અને શબ્દો કે લખાણ યાદ રાખવામાં મુશ્કેલીનો અનુભવ થતો હોય છે. આ ઉપરાંત, ડિસ્લેક્સિક બાળકોને શૂઝની દોરી બાંધવામાં, શર્ટનાં બટન બંધ કરવા જેવાં સરળ કાર્યોમાં અને ધ્યાન આપવું પડે, તેવી અન્ય પ્રવૃત્તિઓ કરવામાં સમસ્યા નડી શકે છે.
બાળકો પર તેની અસર
અમારા નિષ્ણાત સમજાવે છે કે, ઘણી વખત લક્ષણોની ઓળખ કરવા માટેની માહિતીના અભાવ અને અસામર્થ્યના કારણે શિક્ષકો અને માતા-પિતા, બંનેને લાગે છે કે બાળક યોગ્ય રીતે અભ્યાસ નથી કરી રહ્યું અને ધ્યાનના અભાવે, આળસના કારણે અથવા તો તોફાન કરવા ઇરાદાપૂર્વક ભૂલો કરી રહ્યું છે. તેના પરિણામે ઘણી વખત બાળકને બિનજરૂરી રીતે ઠપકો આપવામાં આવે છે કે તેને માર પણ મારવામાં આવે છે.
ઉપરાંત, આ બાળકોનો વિકાસ તેમની વયનાં અન્ય બાળકો કરતાં પ્રમાણમાં સ્હેજ ધીમો થાય છે, જેના કારણે તેમના મિત્રો અને સહાધ્યાયીઓ તેમની ઠેકડી ઉડાડે અને તેના કારણે બાળકોનો આત્મવિશ્વાસ ઘટી જાય, તેવું બની શકે છે. આવી સ્થિતિમાં, બાળક અગાઉ જે કાર્ય ઉત્તમ રીતે કરતું હતું, તે પણ યોગ્ય રીતે કરી શકતું નથી.
શું તેની સારવાર શક્ય છે?
ડિસ્લેક્સિયા એક પ્રકારની માનસિક સ્થિતિ છે અને તેના માટે કોઇ ખાસ કે ચોક્કસ સારવાર નથી. લક્ષણોની ઓળખ થાય, તે સાથે જ નિષ્ણાત સાઇકિયાટ્રિસ્ટની સલાહ લેવી આવશ્યક છે. ડિસ્લેક્સિયા હોવાની જાણ થાય, ત્યારે શિક્ષણની સાચી ટેકનિક અને માર્ગદર્શન થકી બાળકની લખવા અને વાંચવાની ક્ષમતામાં સુધારો લાવી શકાય છે. આવાં બાળકોની સ્થિતિમાં સુધારો કરવા માટે અને તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર કરવા માટે, તેઓ જેમાં નિપુણ હોય, તેવી પ્રવૃત્તિઓ જેમકે, ચિત્રકામ, ગાયન, વાદ્ય વાદન, રમત-ગમત વગેરે પ્રવૃત્તિઓ કરવા માટે તેમને પ્રોત્સાહન પૂરું પાડવું જોઇએ. આમ, આવાં બાળકોની સંભાળ લેતી વખતે તેમનાં માતા-પિતા, શિક્ષકો અને ગાર્ડિન ધીરજથી કામ લે અને ગુસ્સા પર નિયંત્રણ રાખે, તે જરૂરી છે. તેની સાથે સામાન્ય બાળક જેવો જ વ્યવહાર કરવો, તેમને પ્રેરણા પૂરી પાડવી અને તેમનો આત્મવિશ્વાસ વધારવો અત્યંત જરૂરી છે.