રતલામઃ ઇટીવી ભારત સાથે થયેલી ખાસ વાતચીતમાં, ડૉ.જોશીએ મહિલાઓના સ્વાસ્થ્યના મહત્ત્વ ઉપર ભાર મૂકવાની સાથે-સાથે ભવિષ્યની તેમની યોજનાઓ તેમજ મહિલાઓના આરોગ્યને લગતા સરકારના અભિયાનો વિશે સવિસ્તર ચર્ચા કરી હતી. ઉપરાંત, તેમણે દરેક વ્યક્તિને તંદુરસ્ત રહેવામાં ઉપયોગી નીવડે તેવો અગત્યનો મુદ્દો પણ જણાવ્યો હતો.
આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં અદ્વિતીય પ્રદાન
1997માં ડૉ.લીલા જોશીને મધર ટેરેસાને મળવાની તક સાંપડી. તેમનાથી ભારે પ્રભાવિત થઇને ડૉ.જોશીએ આદિવાસી પ્રદેશોમાં વસતી અને એનેમિયાનો ભોગ બનેલી મહિલાઓના ઉપચાર માટે શિબિરો સ્થાપ્યા. ડૉ.લીલા જોશીના અથાગ પ્રયત્નો અને અનોખા યોગદાનને પગલે, 2015માં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘100 પ્રભાવશાળી મહિલા પ્રતિભાઓ’ની યાદીમાં તેમને સ્થાન આપવામાં આવ્યું. ત્યારબાદ 2020માં પદ્મશ્રી પુરસ્કારથી તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
‘સરકારી કાર્યક્રમોનો યોગ્ય અમલ થવો જરૂરી'
ગાયનેકોલોજીસ્ટ ડૉ.લીલા જોશી રેલવેઝનાં ચીફ મેડિકલ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયાં હતાં. તેઓ જણાવે છે કે, સરકાર હંમેશા નાગરિકોના કલ્યાણ માટે યોજનાઓ ઘડે છે, પરંતુ મોટાભાગે તે યોજનાઓનો યોગ્ય અમલ થતો નથી. આ સમસ્યાના નિવારણ માટે ડૉ.જોશી પરિણામ કેન્દ્રી યોજનાઓના સર્જન તથા અમલીકરણનું સૂચન કરે છે. સાથે જ, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સમાજના સંપન્ન વર્ગે સામાજિક સેવામાં સક્રિયપણે ભાગ લેવો જોઇએ.
મહિલાઓએ તેમના આરોગ્યની કાળજી લેવી જોઇએ
સમાજમાં મહિલાઓ માટેના એક ખાસ સંદેશમાં, આ અનુભવી ડૉક્ટરે જણાવ્યું હતું કે, મહિલાઓએ જરૂરી પગલાં તરીકે, તેમના પરિવારોની સાથે-સાથે તેમના પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી લેવી જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓએ તેમની દીકરીઓને સારો અને પોષણયુક્ત આહાર આપવો જોઇએ, જેથી તેમનું ભવિષ્ય તંદુરસ્ત અને સલામત બની રહે.