નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને હિંસાગ્રસ્ત ઉત્તર પૂર્વ દિલ્હીમાં શાંતિ લાવવા માટેની જવાબદારી સોંપી છે. દિલ્હીમાં થયેલી આ હિંસામાં 24 લોકોનાં મોત થયા છે. આ અંગે અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર 75 વર્ષીય ડોભાલે મંગળવારે રાત્રે દિલ્હી પોલીસ કમિશ્નર અમુલ્યા પટનાયક, નવનિયુક્ત વિશેષ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ડોભાલે દિલ્હીના જાફરાબાદ અને સીલમપુર સહિતના હિંસક વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી નિર્દેશો આપ્યા હતાં. તેમજ ડોભાલે તણાવને દૂર કરવા વિભિન્ન સમુદાયના નેતાઓ સાથે પણ બેઠક કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયલી બેઠકમાં ડોભાલે દિલ્હી પરિસ્થિતિનું વિશ્લેષણ રજૂ કર્યુ હતું. તેમજ આ બેઠકમાં તેમણે સાંપ્રદાયિક હિંસાને રોકવા અને દિલ્હીમાં ફરી સામાન્ય સ્થિતિ બનાવવા માટે લેવામાં આવેલા પગલાઓ અંગે જણાવ્યું હતું.
નોંધનીય છે કે, દિલ્હીમાં CAAના વિરોધને લઈ ભડકેલી હિંસામાં છેલ્લા ચાર પાંચ દિવસમાં 27 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.