નવી દિલ્હી: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે મંગળવારના રોજ ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં દરેક સરકાર કેન્દ્ર સરકારની સાથે મળીને પોતાના રાજ્યના ગરીબ લોકો સુધી રાશન પહોંચાડે છે. કેજરીવાલે દિલ્હીમાં 'ઘર-ઘર રાશન યોજના'ને મંજૂરી આપી દીધી છે. આ યોજનાનું નામ 'મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજના' રાખવામાં આવ્યું છે.
કેજરીવાલે જણાવ્યું કે, અમે જે નિર્ણય લીધો છે તે ક્રાંતિકારી નિર્ણય છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે રાશનની વ્યવસ્થામાં ઘણો સુધાર કર્યો છે. જ્યારથી દેશમાં રાશન વેંચવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી ગરીબ લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક દુકાન બંધ હોય, ક્યારેક વસ્તુઓમાં ભેળસેળ હોય, ક્યારેક પૈસા વધારે લેવામાં આવે વગેરે.
આ યોજના અંતર્ગત લોકોને રાશનની દુકાન પર જવું નહીં પડે. તેમના ઘર સુધી રાશન પહોંચાડવામાં આવશે. એફસીઆઈના ગોડાઉનમાંથી ઘઉં લેવામાં આવશે અને તેમાંથી જ લોટ બનાવવામાં આવશે. ચોખા તેમજ ખાંડ જેવી વસ્તુઓ પણ પેકિંગમાં જ આપવામાં આવશે અને તે લોકોને ઘર સુધી પહોંચાડવામાં આવશે.
વધુમાં કેજરીવાલે જણાવ્યું કે, લોકોને બે વિકલ્પ આપવામાં આવશે. તેઓ દુકાન પર જઈને રાશન લેવા ઈચ્છતા હોય તો તેમ પણ કરી શકશે. આગામી છથી સાત મહિનામાં રાશનની હોમ ડિલીવરી શરૂ કરવામાં આવશે. જેમાં ઘઉંની જગ્યાએ લોટ આપવામાં આવશે. જે દિવસથી દિલ્હીમાં રાશનની હોમ ડિલીવરી શરૂ થશે તે દિવસથી કેન્દ્ર સરકારની 'વન નેશન વન રાશન' યોજના પણ દિલ્હીમાં લાગુ કરી દેવામાં આવશે એમ કેજરીવાલે જણાવ્યું હતું.