હૈદરાબાદ: તેલંગાણામાં કે.ચંદ્રશેખર રાવ સરકારે મંગળવારે હૈદરાબાદમાં જૂની સચિવાલયની ઇમારત તોડવાની શરૂઆત કરી હતી. આ સચિવાલય ઘણા ઐતિહાસિક ક્ષણો અને ઘણી સરકારોની રચના અને તેના પતનનું સાક્ષી રહ્યું છે.
આ સચિવાલયની જગ્યાએ નવા સચિવાલય સંકુલના નિર્માણને પડકારતી અનેક અરજીઓ તેલંગણા હાઇકોર્ટે ફગાવી હતી, ત્યારબાદ થોડા દિવસો પછી જ બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. "સચિવાલયના મકાનને તોડી પાડવાનું કામ મંગળવારે મોડી સાંજે શરૂ થયું હતું."
મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા મંગળવારે 'ઇન્ટિગ્રેટેડ સચિવાલયની નવી બિલ્ડિંગ'ની ડિઝાઇન બહાર પાડવામાં આવી હતી. કેસીઆર ઑફિસથી માહિતી મળી છે કે મુખ્યપ્રધાન રાવ આ ડિઝાઇનને મંજૂરી આપી શકે છે.
રાજ્ય સરકારે અગાઉ સંકેત આપ્યો હતો કે આ બિલ્ડિંગના નિર્માણ માટે 400 કરોડ રૂપિયા ખર્ચ થશે અને તે એક અદ્યતન બિલ્ડિંગ હશે. વિરોધી પક્ષોએ આ બાંધકામનો વિરોધ કર્યો છે. તેલંગાણામાં ભાજપના મુખ્ય પ્રવક્તા કે.કે.કૃષ્ણ સાગર રાવે એક નિવેદનમાં કહ્યું છે કે, વૈશ્વિક રોગચાળા વચ્ચે કેસીઆરની ખોટી પ્રતિષ્ઠા માટે આ ઇમારત તોડવાનો પાર્ટીનો સખત વિરોધ છે.