નવી દિલ્હીઃ જામિયા હિંસા કેસમાં તપાસની માંગ કરતી અરજી પર વહેલી સુનાવણી માટે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી વકીલ નબીલા હસન દ્વારા કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી હાઇકોર્ટ 8 મેના રોજ કરશે.
અરજદાર વતી વકીલ સ્નેહા મુખર્જી અને સિદ્ધાર્થ સિમે કહ્યું છે કે, જામિયા યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓને પોલીસે બોલાવ્યા હતા અને તપાસના નામે કલાકો બેસાડી રાખ્યા હતા. કોરોના સંકટ દરમિયાન પણ પોલીસ વિદ્યાર્થીઓને પરેશાન કરી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જામિયા યુનિવર્સિટીની હાલત પહેલા જેવી જ છે. તેથી, આ મામલે ટૂંક સમયમાં સુનાવણી થવી જોઈએ.
4 ફેબ્રુઆરીએ હાઈકોર્ટે જામિયા હિંસા કેસની તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી સ્થગિત કરી હતી. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી બેંચને કહ્યું હતું કે તપાસ નિર્ણાયક તબક્કે છે અને તેને પૂર્ણ થવા દેવી જોઈએ, તો જ અમે યોગ્ય જવાબ આપી શકીશું.
સુનાવણી દરમિયાન અરજદારો વતી વરિષ્ઠ એડવોકેટ કોલિન ગોંઝલ્લ્વેએ કહ્યું હતું કે, જામિયાના 93 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. વિદ્યાર્થીઓએ સીસીટીવી ફૂટેજની પણ બતાવ્યા હતા. લલિતા કુમારીના કેસનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, આ ફરિયાદોને આધારે એફઆઈઆર દાખલ થવી જોઈએ. તુષાર મહેતાએ ત્યારે કહ્યું હતું કે, અલગ અલગ એફઆઈઆર કરવા કરતા સંયુક્ત એફઆઈઆર નોંધાવવી વધુ સારું છે. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંગે કહ્યું હતું કે, હાઈકોર્ટના અગાઉના આદેશનું પાલન કરવામાં આવ્યું ન હતું કારણ કે કોઈ જવાબ દાખલ કરવામાં આવ્યો ન હતો. જો જવાબ આપવા માટે તેમને સમયની જરૂર હોય, તો તે માટે એફિડેવિટ પણ દાખલ કરવી જોઈએ.