પ્રશ્ન- દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મુખ્યત્વે શીલા દિક્ષિત દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા કાર્યોનો પ્રચાર કરી રહી છે. તમે તેમના પુત્ર છો, પરંતુ તમારી સક્રિયતા એટલી નથી જણાઈ રહી. શા માટે?
આ સમયે એ વિષયો પર બોલવાથી કોઈ ફાયદો નથી. હા, એ વાત સાચી છે કે, મેં કોંગ્રેસના અન્ય નેતાઓની જેમ દેખાવ નથી કર્યા. આ વિષય લીડરશીપ નક્કી કરે છે. હું પાંચ-છ વર્ષથી વધારે સક્રિય નથી. જ્યારથી શીલા દિક્ષિત દિલ્હીના સીએમ બન્યા ત્યારથી જ હું તેમનું સમર્થન કરું છું. પૃષ્ઠભૂમિમાં રહીને મેં કોંગ્રેસ માટે રાજકીય કાર્ય કર્યું.
પ્રશ્ન- 2015માં કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. આ વખતે પણ પાર્ટી સંઘર્ષ કરતી દેખાઈ રહી છે. આને તમે કેવી રીતે જોવો છો?
એક પણ ધારાસભ્ય ન હોવો અને નિગમની ચૂંટણીમાં સારું પ્રદર્શન ન કરવું એ બંને બાબતો આંચકો સમાન છે. પરંતુ 2019ની લોકસભાની ચૂંટણીમાં અમે પાંચ બેઠકો પર બીજા સ્થાને આવ્યા હતા. બે અન્ય સ્થાનો પર જો ઉમેદવારોના નામની જાહેરાત પહેલેથી જ કરવામાં આવી હોત તો અમે વધુ સારું પ્રદર્શન કર્યું હોત. શીલાજીની ગેરહાજરી પણ અમારા માટે મોટું નુકસાન છે. અમારી સામે બે મોટા પડકારો છે. અમારી પાસે આપ અને ભાજપ જેવા સંસાધનો નથી. મીડિયા નિષ્પક્ષ નથી. આપની સરકાર ખૂબ જ સરેરાશ રહી છે. મેં તેની પબ્લિસિટી પણ જોઈ છે. તેઓ પ્રોપેગેન્ડા ચલાવી રહ્યાં છે. તેઓ કહી રહ્યાં છે કે, જનતા પ્રથમ વખત વિકાસ માટે મત આપશે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બંને દાવો કરી રહ્યા છે કે, સરકારી શાળાઓમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પરંતુ શીલાજીની સરકારના સમયમાં આ શાળાઓ વધુ સારી હતી. DTC બસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. દિલ્હીમાં હરિયાળી ઓછી થઈ છે. કેજરીવાલનો દાવો કે તેમણે પ્રદૂષણમાં એક ચતુર્થાંશનો ઘટાડો કર્યો છે તે ખોટો છે.
પ્રશ્ન- કોંગ્રેસનો પ્રચાર આટલો ધીમો કેમ રહ્યો?
અમે લોકો પોસ્ટરો અને મીડિયામાં દેખાતા નથી. શીલા સરકાર પાસે તેમના કામની જાહેરાત કરવા માટે પૈસા નહોતા. કેજરીવાલ પુરા પાનાની જાહેરાત આપી રહ્યાં છે. દર બીજા દિવસે તેમનો પ્રચાર જોવા મળે છે. તે મીડિયાને પણ પ્રભાવિત કરે છે. તેમણે સરકારી નાણાંનો દુરૂપયોગ કર્યો છે. અમે તેમવના જૂઠ્ઠાંણાનો મુકાબલો કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા કામના આધારે કરી શકીએ છીએ. અમે કાર્યકર્તાઓ દ્વારા અમારા નેટવર્કને મજબૂત બનાવ્યું છે. અમારી સામે પડકાર એ છે કે, જે પેઢીએ શીલાજીને કામ કરતા નથી જોયાં, જેમણે ફક્ત આમ આદમી પાર્ટીને જ જોઈ છે તેમને અહેસાસ કેવી રીતે કરાવી શકાય? 18થી 35 વર્ષના યુવાનો શીલા દિક્ષિતે કરેલા કાર્યોથી માહિતગાર નથી.
પ્રશ્ન- કોંગ્રેસે મુખ્યપ્રધાન તરીકે કોઈને રજૂ કેમ નથી કર્યાં?
અમે ક્યારેય પણ કોઈને મુખ્યપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરતા નથી. કોંગ્રેસ જૂની સંસદીય પરંપરાઓમાં વિશ્વાસ કરે છે. કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રપતિ શૈલીની ચૂંટણીમાં વિશ્વાસ નથી કરતી. વર્ષ 2003 અને 2008માં પણ જ્યારે શીલા દિક્ષિત મુખ્યપ્રધાન હતા ત્યારે તેમને પણ સીએમ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા નહતા.
પ્રશ્ન- કોંગ્રેસની મુખ્ય સ્પર્ધા આપ સાથે છે કે ભાજપ સાથે? એવું લાગે છે કે, કેજરીવાલે સોફ્ટ હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો છે.
કેજરીવાલ કપટી છે. મારા માટે તે ઘેટાંની ચામડી પહેરેલો વરુ છે. તે મુખ્યત્વે RSSના વ્યક્તિ છે. એ જુદી વાત છે કે, તેઓ પોતાને કંઈક અલગ જણાવી રહ્યાં છે. તેને ભાજપે જ ઉભા કર્યા છે. અન્ના હજારેના આંદોલન સમયે તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં હતા. અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ કેજરીવાલનું સમર્થન કરતા હતા. અમે કહીએ છીએ કે, તેઓ ભગવદ્ ગીતા અને હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. હું એમ નથી કહેતો કે આ ગ્રંથોનો પાઠ કરવાથી તમને પ્રેરણા નથી મળતી, પરંતુ તેઓ તેનો ઉપયોગ મત બેંક તરીકે કરે છે.
પ્રશ્ન- શું દિલ્હી ચૂંટણીમાં CAA કોઈ મુદ્દો છે?
હું એવું નથી માનતો. પરંતુ આ રાષ્ટ્રીય મુદ્દો છે. આની સામે માત્ર કોંગ્રેસ પક્ષ જ ઉભો છે. દિલ્હીના મુખ્યપ્રધાને CAA વિરુદ્ધ નિવેદન આપ્યું પરંતુ એ ન જણાવ્યું કે, તેઓ દિલ્હીમાં NRC લાગુ કરશે કે નહીં. કેજરીવાલે એ તો કહ્યું કે, જો તેને પોલીસ મળી જાય તો તે બે કલાકમાં શાહીન બાગને ખાલી કરાવી દેશે. પરંતુ તે કેવી રીતે કરશે તે નથી જણાવ્યું. જોકે, હું કેન્દ્ર સરકારના વખાણ કરીશ કે તેમણે આંદોલનમાં વિક્ષેપ નથી કર્યો. કેજરીવાલ અને ભાજપના સાંસદ પરવેઝ વર્મા બંનેની ભાષા એક સમાન છે.
પ્રશ્ન- કોંગ્રેસ સમક્ષ રાષ્ટ્રીય સ્તરે કેવા પડકારો છે?
અમારી વ્યાપક સામાજિક લોકશાહી પ્રણાલી માટે પ્રતિબદ્ધતા છે. પરંતુ અમારે તેને ફરીથી પરિભાષિત કરવાની જરૂર છે. મોટાભાગના લોકો જાણે છે કે, કોંગ્રેસ શું છે. તેઓ ફક્ત ઈચ્છે છે કે, પાર્ટી તે મૂલ્યો સાથે ઉભી રહે. સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે કોંગ્રેસ પાર્ટી તેની છબી બદલવાનો પ્રયાસ કરે છે. પીએમ મોદીના તમામ લોકપ્રિય કાર્યક્રમો ખરેખર UPAના જ કાર્યક્રમ છે. આ સરકાર પાસે પૈસા વધારે છે. જોકે એક પણ કામ એવું નથી જેનું શ્રેય પીએમ મોદીને આપી શકાય. ભાજપે ફક્ત હિન્દુત્વ અને તેની રાષ્ટ્રવાદની બ્રાંડનું નિર્માણ કર્યું છે. તેમની હિન્દુ રાષ્ટ્રની કલ્પનામાં કંઈ જ નથી. ભાજપ મુસ્લિમોને બદનામ કરી રહ્યું છે. કોંગ્રેસ ક્યારેય પણ આક્રમક રહી નથી. આ માત્ર એક સૂત્ર છે. પરંતુ હવે તેને વધુ સશક્ત અને સ્પષ્ટ કરવાની જરૂર છે કે, પાર્ટી કોના માટે ઉભી છે અને નવી ભાષામાં સમય સાથે ચકાસાયેલા વિચારો સુયોજિત કરે.