નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના સંક્રમણનો કુલ આંક 1 લાખ 30 હજારને પાર થઇ ચૂક્યો છે. પરંતુ આમાંથી 1 લાખ 14 હજાર લોકોએ કોરોનાને માત આપી હતી. છેલ્લા 24 કલાકમાં 1075 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતનો કુલ આંક 1,30,606 થયો છે.
અત્યાર સુધીમાં 3827ના મોત
કોરોનાથી મરનારા લોકોના આંકડામાં જૂન મહિનાની તુલનામાં જુલાઇમાં તફાવત જોવા મળી રહ્યો છે. પરંતુ તેમ છતા દરરોજ લગભગ 25-30 લોકોના મોત થઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 21 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. ત્યારબાદ દિલ્હીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 3827 પર પહોંચી છે. તેમજ કોરોનાના કારણે મૃત્યુ પામી રહેલા દર્દીઓનો દર 2.93 ટકા છે.
રિકવરી રેટ 87.95 ટકા
દિલ્હીમાં સતત મોટી સંખ્યામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં જેટલા કોરોનાના કેસ નોંધાયા છે તેનાથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના માત આપી 1807 લોકો સ્વસ્થ થયા છે. આ વધારા સાથે દિલ્હીમાં કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોનો આંકડો 1,14,875 થયો છે. આ સાથે જ કોરોનાને માત આપનારા લોકોનો દર 87.95 ટકા થયો છે.
લગભગ 79 ટકા બેડ ખાલી
ઘટતા સંક્રમણને કારણે દિલ્હીમાં કોરોનાના કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સંખ્યા હવે 714 સુધીની થઇ છે. કોરોનાને માત આપી રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થતા હૉસ્પિટલમાં ખાલી બેડની સંખ્યામાં વધારો થયો છે. વર્તમાન સમયમાં દિલ્હીમાં કોવિડ હૉસ્પિટલમાં કુલ 15,475 બેડ છે, જેમાંથી 3210 બેડ પર દર્દીઓ છે અને 12,265 બેડ ખાલી છે. એટલે સામાન્ય રીતે જોવા જઇએ તો હૉસ્પિટલ્સમાં કુલ 78.75 ટકા બેડ ખાલી છે.