હૈદરાબાદ: આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 380 લોકોના મોત સાથે સૌથી વધુ 19,459 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. ભારતમાં પોઝિટિવ કેસની સંખ્યા 5,48,318 છે. જેમાં 2,10,120 એક્ટિવ કેસ છે. જ્યારે 16,475 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે કોરોના વાઈરસ દર્દીઓની સારવાર માટે રાષ્ટ્રીય રાજધાનીમાં ‘પ્લાઝ્મા બેંક’ સ્થાપવાની યોજનાની ઘોષણા કરી હતી. ઓનલાઇન મીડિયા બ્રીફિંગને સંબોધન કરતા કહ્યું કે, પ્લાઝ્મા બેંક “આગામી બે દિવસમાં કાર્યરત થઈ જશે.” તેમણે માહિતી આપી કે બેંકની સ્થાપના દિલ્હી સરકાર સંચાલિત લિવર અને બિલિયરી સાયન્સિસ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કરવામાં આવશે. જો કોવિડ-19 દર્દીને સારવાર માટે પ્લાઝ્માની જરૂર હોય, તો ડોકટરો અને હોસ્પિટલોને પ્લાઝ્મા બેંક પાસે જવાની જરૂર રહેશે. મુખ્યપ્રધાને કોવિડ-19થી સ્વસ્થ થયેલા દર્દીઓને ચેપની સારવાર માટે તેમના પ્લાઝ્મા દાન કરવા પણ વિનંતી કરી હતી.
મુંબઈ / નાગપુર: મહારાષ્ટ્રમાં 31 જુલાઈ સુધી ફરીથી લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અંગે સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે નાગપુરમાં કોવિડ-19 દર્દીઓના સારવાર માટેના વિશ્વના સૌથી મોટા કન્વલેસન્ટ પ્લાઝ્મા થેરાપી ટ્રાયલ પ્રોજેક્ટ પ્લેટિનાનું ઉદ્દઘાટન કર્યું છે. તે પ્લાઝ્મા દાન, પ્લાઝ્મા બેંકિંગ, પ્લાઝ્મા ટ્રાયલ અને ઈમરજન્સીની સુવિધા આપશે.
કર્ણાટક
બેંગલુરુ: શહેરમાં કોરોના વાઈરસ રોગચાળાને પગલે સોમવારે બેંગલુરુમાં ડીજી અને કમિશનર કચેરી સહિત 31 જેટલા પોલીસ મથકો સીલ કરવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, 890 જેટલા પોલીસ કર્મચારીઓ અને કર્મચારીઓને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. પોઝિટિવ કેસ આવ્યા બાદ તરત જ શહેર પોલીસ કમિશનર કચેરી સહિત તિલક નગર, કામક્ષીપાલ્યા, વિલ્સન ગાર્ડન, સિટી માર્કેટના પોલીસ સ્ટેશનો સીલ કરી દેવામાં આવ્યા છે અને અધિકારીઓને હોમ ક્વૉરન્ટીન રહેવાનું કહેવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશ
શિમલા: હિમાચલ પ્રદેશમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા હવે વધીને 919 થઈ ગઈ છે, જેમાંથી 350 કેસ એક્ટિવ છે, જ્યારે 534 પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે અને 7 લોકોના મોત નોંધાયા છે.
ઝારખંડ
રાંચી: ઝારખંડમાં સોમવારે અન્ય એક કોરોના વાઈરસ ચેપગ્રસ્ત દર્દીનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક વધીને 14 થઈ ગયો છે. કોરોના વાઈરસ ચેપના 44 નવા કેસોની પુષ્ટિ થતાં દર્દીઓની સંખ્યા 2386 થઈ છે. ધનબાદમાં વધુમાં વધુ 20 કેસ મળી આવ્યા છે. રાજ્યમાં 559 કેસ સક્રિય છે.
રાજસ્થાન
જયપુર: રાજસ્થાન સરકારે રવિવારે ગ્રામીણ વિસ્તારોમાં ધાર્મિક સ્થળોને મંજૂરી આપી હતી. જ્યાં મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓ 1 જુલાઇથી ફરીથી દર્શન કરી શકશે. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, આ સ્થળોએ સામાજિક અંતર સહિતના તમામ સાવચેતી પગલા ફરજિયાત રહેશે.
રાજ્ય સરકારે 31મેના રોજ કહ્યું હતું કે, કેન્દ્રની નવી માર્ગદર્શિકા હોવા છતાં 30 જૂન સુધી ધાર્મિક સ્થળો ખોલશે નહીં. હવે પૂજા સ્થાનોને ફરીથી ખોલવાની મંજૂરી મળી છે.
મુખ્યપ્રધાને સૂચનાઓ મુખ્યપ્રધાન નિવાસસ્થાને થયેલી કોરોના વાઈરસ સ્થિતિની સમીક્ષા બેઠકમાં આપી હતી. આ દરમિયાન મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે, હાલ શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોના તમામ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે નહીં.
ઉત્તરાખંડ
દહેરાદૂન: ઉત્તરાખંડમાં સોમવારે 8 નવા કોવિડ -19ના કેસ નોંધાયા હતા, જ્યારે એકનું મોત નીપજ્યું હતું. કુલ કેસની સંખ્યા 2831 પર પહોંચી છે. 659 દર્દીઓ સારવાર હેઠળ છે. 2011 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રિકવરી રેટ 74.51 ટકા છે.
બિહાર
પટના: બિહારમાં સોમવારે કોવિડ -19 ચેપમાં મોટો વધારો જોવા મળ્યો હતો. જેમાં 282 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. કુલ મૃત્યુઆંક 63 પર પહોંચ્યો છે. કુલ કેસની સંખ્યા 9506 થઈ ગઈ છે.
પંજાબ
ચંદીગઢઃ કોવિડ-19ના કારણે મૃત્યુઆંક 138 પર પહોંચ્યો છે. જ્યારે બીજા 202 નવા કેસ નોંધાતા કેસની કુલ સંખ્યા 5418 થઈ ગઈ છે. સત્તાવાર બુલેટિન મુજબ પટિયાલામાં ત્રણ અને ગુરદાસપુર અને સંગરુરમાં એક-એક મોત નોંધાયા છે.
મધ્યપ્રદેશ
મોરેનાઃ મોરેનામાં છેલ્લા 24 કલાકમાં 56 નવા કેસ નોંધાયા હતા. જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 404 થઈ ગઈ છે. 10 દિવસ માટે રાજસ્થાન સાથેની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.
ઓડિશા
ભુવનેશ્વરઃ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 245 નવા કેસ નોંધાયા છે. 214 ક્વૉરન્ટીન સેન્ટરમાં નોંધાયા અને 31 લોકલ સંપર્કથી. 2 એનડીઆરએફ અને ઓડીઆરએએફ જવાનોને કોરોના થયો છે, જેઓ ચક્રવાત અમ્ફાનથી ડ્યૂટી પતાવીને પાછા આવી રહ્યાં હતા.4743 લોકો રિકવર થયા છે.