નવી દિલ્હી : શનિવારે સાંજે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ-19થી અત્યાર સુધીમાં 1,223 લોકોનાં મોત થયાં છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 37,776 પર પહોંચી ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કોવિડ-19ના 2,411 નવા કેસ નોંધાયા છે. 71 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, અત્યાર સુધીમાં કોવિડ-19થી 10,018 દર્દીઓ સ્વસ્થ થયા છે. રિકવરી રેટ 26.64 ટકા થયો છે. કોરોના સંક્રમણને રોકવા માટે અને પરિસ્થિતિને નિયંત્રણમાં કરવા લોકડાઉનને 17મે સુધી લંબાવાયુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગૃહપ્રધાન અમિત શાહ અને નાણાંપ્રધાન નિર્મલા સીતારામન સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આર્થિક મંત્રાલયના અધિકારીઓ પણ હાજર હતા. આ બેઠક લોકડાઉનથી પ્રભાવિત ઉદ્યોગોને રાહત પેકેજ આપવા અંગે થઈ હતી.