નવી દિલ્હી: કોર્ટે બુધવારે CBIના પૂર્વ વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સાથે સંકળાયેલા લાંચ કેસમાં CBIની તપાસ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આ કેસમાં મોટી ભૂમિકાવાળા આરોપી મુક્ત કેમ ફરતા હતા જ્યારે CBIએ તેના જ DSPની ધરપકડ કરી હતી. કોર્ટે આ મામલે વધુ વિચારણા માટે 19 ફેબ્રુઆરી સુધીની રાહત આપી છે.
મંગળવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ભૂતપૂર્વ વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને RAW ચીફ સમંતા ગોયલને 2018ના લાંચ કેસમાં કલીનચીટ આપી હતી. CBIએ દુબઈના ઉદ્યોગપતિ અને કથિત મધ્યસ્થી મનોજ પ્રસાદ સામે ચાર્જશીટ દાખલ કરી છે. જેની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. મનોજ પ્રસાદ અને ફરિયાદી સતીષ સના બાબુ વચ્ચે CBIને કોલ ડિટેઇલ પણ મળી છે.
નોંધનીય છે કે, 15 ઓક્ટોમ્બર 2018ના રોજ CBIએ માંસ વેપારી સતિષ સના પાસેથી બે કરોડ રૂપિયાની લાંચ લેવાના મામલે તત્કાલીન વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને DSP દેવેન્દ્ર કુમાર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ત્યાર પછી આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને અદાલતે અસ્થાના અને દેવેન્દ્રની FIR રદ કરવાની માંગને ફગાવી દીધી હતી. તેમજ CBIને તપાસનો આદેશ આપ્યો છે.
રાકેશ અસ્થાના અને દેવેન્દ્ર કુમાર પર હૈદરાબાદના ઉદ્યોગપતિ સતિષ બાબુને રાહત આપવાનો અને લાંચ લેવાનો આરોપ છે. CBIએ આ મામલે બંને સામે FIR નોંધી હતી. આ મામલામાં CBI દ્વારા DSP દેવેન્દ્ર કુમારની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં DSP દેવેન્દ્ર કુમારને નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા.