શાહજહાંપુર: કોરોનાને કારણે પોલીસે હવે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક વલણ દાખવ્યું છે. શાહજહાંપુર જિલ્લાની પોલીસે ઘરની બહાર જતા લોકોને લોકડાઉનનું પાલન કરવા કહ્યું હતું. આ સાથે વારંવાર લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા 6 લોકોની પોલીસે ધરપકડ કરીને જેલના સળિયા ગણતા કરી દીધા હતાં.
કડક કાર્યવાહી
અગાઉ પોલીસે લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી હતી, પરંતુ લોકો ઘરની બહાર જઈને લોકડાઉનનો ભંગ કરી રહ્યાં હતાં. જેથી કડક વલણ અપનાવતા પોલીસે 6 લોકો સામે ગુનો નોંધીને જેલમાં મોકલી દીધા હતાં. આ અંગે પોલીસનું કહેવું છે કે, હવે લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ લોકડાઉનનો ભંગ કરશે તો સીધો જેલ ભેગો કરી દેવામાં આવશે.
આ બાબતે સ્થાનિક પોલીસ કર્મચારી જીતેન્દ્રકુમારે કહ્યું કે, લોકડાઉન હોવા છતાં લોકો રસ્તા પર ઉતરી રહ્યાં છે. આવા લોકો સતત વધી રહ્યાં છે. અમે લોકોને ચેતવણી અને સૂચના આપી પરત મોકલી રહ્યાં છીએ.
મહત્વનું છે કે, PM મોદીએ ભારતમાં કોરોના વાયરસની રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. જેને ધ્યાનમાં રાખી દેશના બધા જ પોલીસ સ્ટેશન આ લોકડાઉનનું પાલન કરાવી રહ્યાં છે. જો કે, બિનજરૂરી ઘર બહાર ફરતા લોકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.