જયપુર : રાજસ્થાનમાં રાજ્યસભાની 3 બેઠકો પર મતદાનનું પરિણામ શુક્રવારે જાહેર થયું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 2 બેઠકો જીતી લીધી છે અને 1 બેઠક ભાજપને મળી છે. આ ત્રણેય બેઠકો પર યોજાયેલી ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપે બે ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
કોંગ્રેસ તરફથી કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગી જીત્યા હતા. આ સાથે જ રાજેન્દ્ર ગેહલોત ભાજપમાંથી જીત્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કેસી વેણુગોપાલને 64 મત અને નીરજ ડાંગીને 59 મત મળ્યા છે. આ ચૂંટણીમાં કુલ 198 મત મળ્યા હતા. તેમજ ભાજપનો એક મત રિજેક્ટ કરવામાં આવ્યો છે.
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના બંને ઉમેદવારોની જીત નક્કી થઈ ચૂકી છે. કારણ કે, કોંગ્રેસ પાસે 123 મતોનો આંકડો હતો, જ્યારે રાજ્યસભાની ચૂંટણીમાં બંને ઉમેદવારો માટે તેને 102 મતોની જરૂર હતી. ભાજપના ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ તરફથી ભાજપ પર ધારાસભ્યોના ખરીદ સહિતના ઘણા ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. જેના કારણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો એકબીજા પર આક્ષેપો કરતા જોવા મળ્યા હતા.
દેશના આઠ રાજ્યોની 19 રાજ્યસભા બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ હતી. મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. જોકે આગાઉ કોરોના મહામારીના કારણે ચૂંટણી સ્થગિત કરી દેવાઈ હતી. ત્યારબાદ ચૂંટણી પંચે કર્ણાટકની ચાર બેઠકો અને મિઝોરમ તથા અરૂણાચલ પ્રદેશની એક એક બેઠક માટે ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી.