NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર રચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેઠકમાં, અમે સરકાર બનાવવા માટે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે વધુમાં કહ્યું કે, ત્રણેય પક્ષ એક સાથે થયા વિના સરકાર રચી શકાતી નથી, કોંગ્રેસ, NCP અને શિવસેનાને સાથે રાખ્યા વિના કોઈ સરકાર રચાશે નહીં. મલિકે કહ્યું કે, બેઠકમાં સકારાત્મક ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં આવશે અને પાંચ વર્ષ માટે બનાવવામાં આવશે.
બીજીતરફ, મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે NCP અને કોંગ્રેસના વલણને જોતા શિવસેનાએ 22 નવેમ્બરના રોજ તેના તમામ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે.
ગઈકાલે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અહેમદ પટેલ, જયરામ રમેશ, મલ્લિકાર્જુન ખડગે, પૃથ્વીરાજ ચૌહાણ, કેસી વેણુગોપાલ, બાળાસાહેબ થોરાટે ભાગ લીધો હતો તેમજ NCP વતી સુપ્રિયા સુલે, અજિત પવાર, જયંત પાટીલ, નવાબ મલિકે બેઠકમાં ભાગ લીધો હતો.
24 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો બાદથી સરકારની રચના અંગે સતત મૂંઝવણ જોવા મળી રહી છે. આ અગાઉ મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને એ.કે. એન્ટની સોનિયા ગાંધીને મળ્યા હતા અને તેમને મહારાષ્ટ્ર સાથે સંકળાયેલ પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.
NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતીને લગતા કાર્યક્રમોમાં વ્યસ્ત છે અને આવી સ્થિતિમાં તેમણે બુધવારે આ બેઠક યોજવાની વિનંતી કરી હતી. બંને પક્ષોએ શિવસેના સાથે સરકાર બનાવવા અંગે ચર્ચા કરવા તેમના વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપી છે.
મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, સંગઠન મહાપ્રધાન કેસી વેણુગોપાલ, મહારાષ્ટ્રના પ્રભારી મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના કેટલાક અન્ય નેતાઓ અને પ્રફુલ પટેલ, સુનીલ તાત્કરે, અજિત પવાર અને જયંત પાટીલ મંગળવારે મળવાના હતા.
સોમવારે NCPના વડા શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, હવે બંને પક્ષો એક સાથે મળીને ચૂંટણી લડનારા નાના પક્ષો સાથે વાતચીત કરશે.