નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલી હિંસાને લઇને કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર જાણી જોઇને કાર્યવાહી કરી રહી નથી, જેના લીધે 20થી વધુ લોકોના મોત થયા છે. તેમણે ગૃહ પ્રધાન અમિત શાહને હિંસાના જવાબદાર ગણાવીને તેના રાજીનામાની માગ કરી છે.
તેમણે કહ્યું કે, ભાજપ નેતાઓએ ભડકાઉ ભાષણ આપીને સમગ્ર માહોલને ખરાબ કરવાનું કામ કર્યું છે. દિલ્હી હિંસાને લઇને કોંગ્રેસ વર્કિંગ કમેટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં હિંસા દરમિયાન માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી.
આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, દિલ્હીમાં હાલની પરિસ્થિતિ ચિંતાજનક છે. ભાજપના નેતાઓએ ભડકાઉ ભાષણો આપ્યા છે. ચૂંટણી દરમિયાન નફરત ફેલાવવાનું કામ કર્યું છે.