નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદયા વિરુદ્ધ એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા દાખલ ફોજદારી કેસમાં દિલ્હી પોલીસે મનીષ સિસોદિયાને ક્લિનચીટ આપી છે. દિલ્હી પોલીસે આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરેલા તેના એક્શન ટેકન રિપોર્ટમાં કહ્યું છે કે, મનીષ સિસોદિયાએ કરેલું ટ્વીટ માત્ર એક આરોપ છે અને તે ભારતીય દંડ સંહિતાની કલમ 153,153 એ, 504 અને 505 હેઠળ આવતા નથી. મનીષ સિસોદિયા વિરુદ્ધ એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવે ફરિયાદ દાખલ કરી હતી.
મનીષ સિસોદિયા પર આરોપ હતો કે, તેમણે એક ટ્વીટ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવવાનું કામ કર્યુ હતું. મનીષ સિસોદિયા એ 15 ડિસેમ્બર 2019ના રોજ એક ટ્વીટ કર્યુ હતું .આ ટ્વીટમાં લખ્યું હતું કે, "ચૂંટણીમાં હારના ડરથી ભાજપ દિલ્હીમાં આગ લગાવી રહ્યું છે." સિસોદિયાના આ ટ્વીટ પર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે મામલે આજે સિસોદિયાને ક્લિનચીટ મળી છે.