રાજસ્થાનના કોટાની જેકે લોન હોસ્પિટલમાં ડિસેમ્બર-2019 દરમિયાન 104 બાળકો થયેલા મોતની ઘટના આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. પરંતુ રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગહલોત અને રાજ્યના ચિકિત્સા પ્રધાન રઘુ શર્મા આને સામાન્ય ઘટના ગણાવી રહ્યા છે. તો કોટાથી પણ વધુ મોટી ઘટના મુખ્ય પ્રધાનના ગૃહ નગર જોધપુરની ડોક્ટર એસ.એન. મેડિકલ કોલેજના બાળ રોગ વિભાગમાં ઘટી રહી છે. જ્યાં દરરોજ 5 જેટલા બાળકોનું મૃત્યુ થઈ રહ્યાં છે.
ડિસેમ્બર-2019ના આંકડા વિશે વાત કરીએ તો, અહીં 146 બાળકોનાં મોત થયા હતાં. એટલું જ નહીં તેમાંના 98 નવજાત શિશુ હતા. આ આંકડો એટલા માટે વધારે છે કારણ કે, વર્ષ 2019માં INCU, PICUમાં કુલ 754 બાળકોનાં મોત થયા હતાં. એટલે કે, દર મહિને 62 બાળકોના મૃત્યુ થયા હતા. પરંતુ ડિસેમ્બરમાં અચાનક જ આ આંકડો 146 પર પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં અહીંની વ્યવસ્થા શંકાના દાયરામાં આવે છે.
જોધપુર મેડિકલ કોલેજ MDM અને ઉમેદ હોસ્પિટલમાં બાળરોગ રોગ વિભાગનું સંચાલન કરે છે. કોટામાં થયેલી દુર્ઘટના બાદ મેડિકલ કોલેજ મેનેજમેન્ટે તૈયાર કરેલા અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. વિશેષ બાબત એ છે કે, જ્યારે ઈટીવી ભારતે આ અહેવાલની તપાસ કરી ત્યારે બહાર આવ્યું કે, મેડિકલ કોલેજ દ્વારા તૈયાર કરાયેલા ડેટામાં બાળકોના મૃત્યુની ટકાવારી અહીં વિભાગમાં દાખલ થનારા કુલ બાળકોની સંખ્યા સાથે સરખાવવામાં આવી ત્યારે આ આંકડો ખૂબ સંતુલિત જોવા મળ્યો હતો. જ્યારે મોટા ભાગના મૃત્યુ નિયોનેટલ કેર યુનિટ (NICU) અને પેડિયાટ્રિક આઈસીયુમાં (PICU) થયા છે.
વર્ષ 2019માં બાળ રોગ વિભાગમાં કુલ 47 હજાર 815 બાળકો દાખલ થયા હતાં. જેમાંથી 754 બાળકોના મોત થયા હતાં. આ પ્રમાણે મૃત્યુની ટકાવારી 1.57 ટકા હતી. જોકે 2019માં જ NICU અને PICUમાં ગંભીર નવજાત બાળકો ગાખલ થયા હતા, જેમાંથી 754ના મોત થયા હતા. જે આંકડો 13 ટકાથી પણ વધુ છે. આશ્ચર્ય એ વાતનું છે કે, વર્ષ 2019માં વોર્ડમાં એક પણ બાળકનું મોત થયું નહતું. પરંતુ હોસ્પિટલના તંત્રએ મૃત્યુની ટકાવારી કાઢવામાં વોર્ડમાં દાખલ થયેલા બાળકોને પણ ઉમેરી દીધા હતા, જેથી મૃત્યુની ટકાવારી ઓછી દેખાય.
ડોક્ટર એસ.એન. મેડિકલ કોલેજ હોસ્પિટલની વ્યવસ્થા આ પહેલા પણ શંકાના દાયરામાં રહી છે. વર્ષ 2011માં અહીં 30થી વધુ ગર્ભવતી મહિલાઓના મૃત્યુ ચેપગ્રસ્ત ગ્લુકોઝને કારણે થયા હતા. બાદમાં રાજ્ય સરકારે ઉમેદ હોસ્પિટલ પર દબાણ ઓછું કરવા એમડીએમ હોસ્પિટલમાં પણ મહિલા વોર્ડ શરુ કર્યો, પરંતુ અહીં સમગ્ર પશ્ચિમ રાજસ્થાનથી દર્દીઓ આવતા હોવાને કારણે ભરાવો રહે છે.