બીજી તરફ ધાંગધ્રાના ધારાસભ્ય રાજીનામું આપીને ગુપ્તવાસમાં ચાલ્યા ગયા હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં ધારાસભ્યોની ખરીદી અને પક્ષ બદલવાની રીત સામે જૂની પેઢીના ધારાસભ્યો, પૂર્વ પ્રધાનો અને પૂર્વ સાંસદો વસવસો વ્યક્ત કરી રહ્યાં છે. જે રીતે રાજનીતિનું રાજકારણ થઇ રહ્યું છે, તે જોતા લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં પણ આવા અનેક નાટકો જોવા મળશે.
ખજુરાહોથી શરૂ થયેલી પક્ષ બદલવાની યાત્રા આજે તેની ચરમ સીમા પર જોવા મળી રહી છે. શંકરસિંહ વાઘેલા, આત્મારામ પટેલ, કેશુભાઈ પટેલથી શરુ પક્ષ બદલવાની આ યાત્રા બલવંતસિંહ રાજપુત, ડૉ. તેજશ્રી પટેલ, રાઘવજી પટેલ, માનસિંહ ચૌહાણ, આજે પ્રધાન બનેલા હકુભા જાડેજા, કુંવરજી બાવળીયા, ડૉ.આશાબેન પટેલ બાદ જૂનાગઢના જવાહર ચાવડાએ પક્ષ બદલાની રાજકીય ફિલ્મના કલાકારો છે. આ લોકો એવા કલાકારો છે જેઓ કોઈ પણ વાર્તામાં ક્યાંય પણ ફિટ બેસી જાય છે. કલાકારોની આ યાદી હજુ પણ આગળ વધશે અને ચલચિત્રની જરૂરિયાત મુજબ નવા કલાકારો તેમનો રોલ અદા કરીને ફિલ્મને વધુ હિટ કરવાનો પ્રયાસ કરશે.
લોકસેવાથી શરૂ થયેલી રાજનિતિ આજે અંગત હિત, સત્તા, લાલસા અને પ્રલોભનો નીચે રાજકારણમાં ફેરવાઈ ગઈ છે. જે પૂર્વ પ્રધાનો, પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને ડંખી રહી છે. ભારતની રાજનીતિનો ઇતિહાસ આજે પણ સાક્ષી છે કે, પોતાનું અંગત હિત સાધવા માટે પક્ષની સાથે તેમના મતદારોનો દ્રોહ કરીને ત્વરિત સફળતા મેળવવા તલપાપડ રહેતા નેતાઓના રાજકારણમાં મધ્યાંતર આવશે તે ચોક્કસ કહી શકાય છે.