નવી દિલ્હી : CBSE બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી . મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓડિશાએ પરીક્ષા કરાવવાની ના પાડતા એફિડેવિડ દાખલ કરી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે, ધોરણ 10 અને 12ની 1થી 15 જુલાઈ સુધી યોજાનારી પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે સીબીએસઈએ ધોરણ 10ની પરીક્ષા સંપૂર્ણ રીતે રદ્દ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે સીબીએસઈ ધોરણ 12 પરીક્ષાઓ હવે વૈકલ્પિક હશે. સુપ્રીમ કૉર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન બૉર્ડે પોતાના આ નિર્ણયની જાણકારી આપી છે. સાથે જ એ પણ જણાવ્યું છે કે હવે કયા આધાર પર વિદ્યાર્થીઓનાં અંક આપવામાં આવશે અને રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. સીબીએસઈ અને કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સાથે બેઠકમાં બૉર્ડનાં અધિકારીઓએ કહ્યું હતુ કે 10માં ધોરણનાં ઇન્ટરનલ એસેસમેન્ટનાં આધારે રિઝલ્ટ તૈયાર કરવું સરળ છે.
જો કે 12 ધોરણનાં મામલે આ પ્રકારનું રિઝલ્ટ તૈયાર કરવામાં મુશ્કેલી આવશે. કેમકે 12માં ધોરણનાં આધારે આઈઆઈટી, મેડિકલ સહિત અનેક ઉચ્ચ સંસ્થાઓમાં એડમિશન મળે છે. સ્કૂલનાં એસેસમેન્ટમાં અનેક હોનહાર વિદ્યાર્થી પણ પાછળ રહી શકે છે. આ કારણે બૉર્ડે સુપ્રીમ કૉર્ટને જણાવ્યું કે ધોરણ 12નાં વિદ્યાર્થીઓને 2 વિકલ્પ આપવામાં આવે. તેમને સ્કૂલમાં થયેલી 3 પરીક્ષાઓમાં તેમના પરફોર્મન્સનાં આધારે અંક આપવામાં આવે.
આ ઉપરાંત તેમને કેટલાક મહિના બાદ થનારી ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષામાં સામેલ થવાનો પણ વિકલ્પ પણ આપવામાં આવે. વિદ્યાર્થી ઇચ્છે તો ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષા આપીને પોતાનો સ્કોર સારો કરી શકશે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-માર્ચમાં ચાલી રહેલી પરીક્ષાઓ કોરોના મહામારીનાં કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સીબીએસઈએ 1 જુલાઈથી લઇને 15 જુલાઈ સુધી પરીક્ષાઓ કરાવવાની વાત કહી હતી.
ICSEએ કહ્યું કે તે પણ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓને રદ્દ કરશે. અસેસમેન્ટ અંતર્ગત પરિણામો જાહેર કરવામાં આવશે. જો પરિસ્થિતિમાં સુધારો થાય છે, તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે કે નહીં, તે પછીથી નક્કી કરવામાં આવશે.