નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિની બેઠકમાં બંગાળની ખાડી પર સંભવિત ચક્રવાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તટીય આંધ્ર પ્રદેશના રાજ્યના પ્રશાસનિક અધિકારીઓએ ભાગ લીધો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સંકટ પ્રતિક્રિયા બળ (NDRF), સશસ્ત્ર બળ અને ભારતીય તટરક્ષક બળને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગૌબાએ હાલની પરિસ્થિતિ માટે બચાવ અને રાહત કામગીરી માટેની તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને જરૂરી હોય ત્યારે સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ચક્રવાતી તોફાનથી સર્જાયેલી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી સુનિશ્ચિત કરી છે. બેઠકમાં જણાવાયું હતું કે, રાજ્ય સરકારે માછીમારોને દરિયામાં ન જવાની પૂરતી ચેતવણી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવાત માટે આશ્રય સંબંધિત રાજ્ય સરકાર દ્વારા ઓળખ કરવામાં આવી છે.
'ગૃહ મંત્રાલય રાજ્ય સરકારો અને સંબંધિત કેન્દ્રિય એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે.'
વધુમાં તમને જણાવીએ તો શનિવારે હવામાન વિભાગે બંગાળની ખાડી પર નીચા દબાણનો સંકેત આપ્યો છે.
રવિવારે, તીવ્ર પવન સાથે તીવ્ર ચક્રવાતી તોફાન આવવાની સંભાવના છે. આ વાવાઝોડું 17 મેથી ઉત્તર-પશ્ચિમમાં અને પછીથી બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળના કાંઠાના ભાગમાં 18 થી 20 દરમિયાન આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આ માહિતી આપી હતી.