નવી દિલ્હી: બસપાના વડા માયાવતીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે રાજસ્થાનમાં બહુજન સમાજ પાર્ટીના છ ધારાસભ્યોને કોંગ્રેસમાં ભેળવી દીધા હતા. તેમણે તેમના અગાઉના કાર્યકાળમાં પણ આ જ કર્યું હતું. જેના માટે અમે તેમને અને તેમની પાર્ટીને પાઠ ભણાવવા માગીએ છીએ.
બસપાના વડાએ વધુમાં જણાવ્યુ કે, તેમની પાર્ટી આ માટે કોર્ટમાં જઇ શકે છે.પરંતુ તે યોગ્ય તકની રાહ જોશે તેમ નક્કી કર્યું છે. માયાવતીએ કહ્યું કે, રાજસ્થાનમાં, ચૂંટણીના પરિણામો પછી બસપાએ કોંગ્રેસને તેના તમામ છ ધારાસભ્યોની બિનશરતી ટેકો આપ્યો હતો. કમનસીબે, મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે તેમના બદઇરાદાને કારણે અને બસપાને નુકસાન પહોંચાડતાં તેમને છ ધારાસભ્યોને ગેરબંધારણીય રીતે કોંગ્રેસમાં ભેળવી દીધા હતા.
તેમણે કહ્યું કે, બસપા અગાઉ પણ કોર્ટમાં જઇ શકી હોત, પરંતુ અમે કોંગ્રેસ પાર્ટી અને સીએમ અશોક ગેહલોતને પાઠ ભણાવવા માટે યોગ્ય તક શોધી રહ્યા હતા. હવે અમે કોર્ટમાં જવાનું નક્કી કર્યું છે. અમે આ મામલાને હળવાશથી નહીં લઈએ.