ન્યૂઝ ડેસ્ક : ગ્રાહકોના વિશ્વાસને કેવી રીતે જાળવી રખાશે તે સહિતના વિવિધ મુદ્દે તેમણે ઇનાડુ સાથે વાતચીત કરી તેના અંશોઃ
ભારતીય બેન્કિંગ સિસ્ટમ પર COVID-19ની શી અસરો પડી છે?
મહામારી પછી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને કારણે લોકો અને સંસ્થાઓ બધાને અસર થઈ છે. લૉકડાઉનના કારણે અર્થતંત્ર નબળું પડ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં તેની અસરો જોવા મળશે. ગ્રાહકોની માગ ના હોવાથી ઉત્પાદન કાપ મૂકાયો છે. તેની અસર રેવેન્યૂ એકાઉન્ટ પર થશે. ધિરાણ પરત મેળવવાની બાબતમાં પણ મુશ્કેલીઓ આવશે. સદનસીબે આરબીઆઈએ બધી જ કેટેગરીમાં પરત ચૂકવણીમાં રાહત આપી છે. ટૂંકા ગાળે તેના કારણે એનપીએ નહિ દેખાય અને આશા રાખીએ છીએ કે આ સંકટ પૂર્ણ થાય એટલે પડકારો પણ ઘટશે.
લૉકડાઉન પછી લોનની માગણી વધશે? કયા સેક્ટરમાંથી વધારે ડિમાન્ડ નીકળશે?
એક વાર કામકાજ પૂર્ણ રીતે ચાલતું થાય તે પછી લોનની માગણી રાબેતા મુજબની થશે એમ અમે ધારીએ છીએ. રિટેલ એકમો અને MSMEને સૌથી વધુ અસરો થઈ છે. રોકડની પ્રવાહિતા ઘટી છે અને કામદારો પણ મળતા નથી તેના કારણે MSMEની સ્થિતિ વધારે કફોડી બની છે. COVID-19 પછી વ્યક્તિગત અને કૃષિ લોન માટેની માગણી નીકળશે એવી ધારણા છે.
આંધ્ર બેન્કના મર્જર પછી યુનિયન બેન્કની સ્થિતિ કેવી છે? ગ્રોથ પ્લાન શું છે?
મર્જર પછી અમે તેલુગુ રાજ્યની સૌથી મોટી બેન્ક બન્યા છીએ. હાલમાં આંધ્રમાં 1220 અને તેલંગાણામાં 737 શાખાઓ છે. તેલંગાણાની અમે સૌથી મોટી બેન્ક છીએ. બંને રાજ્યોમાં તેજી છે. આ બંને રાજ્યો અમારા બિઝનેસ માટે આગામી દિવસોમાં મહત્ત્વના બની રહેશે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર ઉપરાંત બાંધકામ, સિંચાઇ અને મેન્યુફેક્ચરિંગમાં ઘણો વિકાસ થયો છે. અમારા માટે અહીં તક છે. MSME, કૃષિ અને ગોલ્ડ લોનની માગ રહેશે તેવી અપેક્ષા છે. રિટેલ અને કૉર્પોરેટ લોન પર પણ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. દાયકાઓથી તેલુગુ પ્રજાનો સંબંધ આંધ્ર બેન્ક સાથે રહ્યો છે અને આગળ અમે ભરોસો જાળવી રાખીશું.
મર્જર સરળતાથી થયું કે કોઈ પડકારો હતા?
100 વર્ષથીય લાંબો ઇતિહાસ, 9,600 શાખાઓ અને 75,000થી વધુ કર્મચારીઓ ધરાવતી ત્રણ બેન્કોનું મર્જર થતું હોય ત્યારે થોડા પડકારો તો હોય જ. મર્જરની બરાબર પહેલાં જ લૉકડાઉન થઈ ગયું. કેટલીક મુશ્કેલી છતાં મર્જર એ ભારતીય બેન્કિંગ સિસ્ટમનું બહુ મહત્ત્વનું પગલું છે. ડિજિટલ ટેક્નોલૉજી અને અસરકારક આયોજનને કારણે પ્રક્રિયા સરળ રહી. અમે મોટા ભાગની બેઠકો વીડિયો કૉન્ફરન્સથી કરી. ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કર્મચારીઓને તાલીમ આપી. ફિલ્ડ લેવલના સ્ટાફ માટે વૉટ્સઅપ ગ્રુપ બનાવ્યા. તેના કારણે યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયા પ્રથમ એપ્રિલથી કામ કરતી થઈ ગઈ હતી.
તમે શાખાઓ અને એટીએમની સંખ્યા ઘટાડવા માટે વિચારો છો?
હાલના તબક્કે નહિ. હાલમાં 9,500 શાખાઓ છે અને 13,500 એટીએમ દેશભરમાં છે. શાખાઓ બંધ કરવાનું થશે ત્યારે જે તે વિસ્તાર, ત્યાંના ગ્રાહકો વગેરેને ધ્યાનમાં લેવાશે. દાખલા તરીકે અમે જોયું કે યુનિયન બેન્કની 700 શાખાઓ એક કિલોમિટર કરતાં પણ ઓછા અંતરે આવેલી છે. એક જ માર્ગ પર કે એક જ ઇમારતમાં આંધ્ર બેન્ક કે કૉર્પોરેશન બેન્ક પણ હોય. આ શાખાઓને એક શાખામાં ભેળવી દેવાશે અથવા આસપાસમાં જરૂર હોય ત્યાં ખસેડવામાં આવશે. એટીએમમાં પણ એ રીતે જ કામ થશે. સમગ્ર કાર્યવાહી કરતાં 2થી 3 વર્ષ લાગશે.
હાલના નાણાકીય વર્ષ માટે તમારા લક્ષ્યાંકો શું છે?
મર્જર પછી યુનિયન બેન્ક ભારતની પાંચમી સૌથી મોટી બેન્ક બની છે. અમારું કામકાજ 15 લાખ કરોડે પહોંચ્યું છે. તેમાં 6.5 લાખ કરોડનું દેવું પણ છે. અમારી ધારણા ધિરાણ આપવામાં 9 ટકાના વિકાસની છે. એનપીએ અત્યારે 6.5 ટકા છે, તે ઘટાડીને 6 ટકા કરવા કોશિશ થઈ રહી છે.