પટણા: બિહારમાં જૈશ-એ-મોહમ્મદના 5થી 6 આતંકવાદીઓના પ્રવેશ અંગે માહીતી મળી છે. જેને ધ્યાનમાં રાખીને વિશેષ શાખાએ એક ચેતવણી જારી કરી છે. મુઝફ્ફરપુર સહિત ઉત્તર બિહારના તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બધા આતંકીઓને પાકિસ્તાન આર્મી દ્વારા તાલીમ આપવામાં આવી છે. આતંકવાદીઓ નેપાળ થઈને બિહારમાં પ્રવેશ્યા છે.
બિહારની સ્પેશલ બ્રાંચના SPએ આ અંગે તમામ જિલ્લાના SPને મોકલવામાં આવેલા એક ગુપ્ત પત્રમાં આ વાતનો ખુલાસો કર્યો છે. પત્ર અનુસાર સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 20-25 ની સંખ્યામાં આ આતંકવાદીઓ ભારતમાં કોઈ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. આમાના પાંચથી છ આતંકવાદીઓ નેપાળ થઈને બિહાર આવ્યા છે.
મળતી માહિતી મુજબ આતંકવાદીઓના નિશાના પર ઘણા રાજકારણીઓ અને અગ્રણી જાહેર સ્થળો છે. આ સિવાય અનેક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.