લોકસભાના સત્રમાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભુજથી દિલ્હી માટે રોજિંદી વધુ એક ટ્રેન મળે તેમજ ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવા મુદ્દાસર રજૂઆત કરી હતી. ભુજથી દિલ્હી આવન-જાવન માટે કચ્છથી એક જ ટ્રેન આલા-હજરત ચાલે છે. જે પણ નિરંતર અનિયમિત ચાલે છે. કચ્છ, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશને જોડતી આ એક જ ટ્રેન છે. જેમાં સતત `નો રૂમ' જેવી વ્યવસ્થા હોય છે અને યાત્રિઓને સ્લીપર કલાસમાં ઘેટાં-બકરાં જેવી પરિસ્થિતિમાં યાત્રા કરવી પડે છે. કચ્છ અને દિલ્હીને જોડતી સુપર ફાસ્ટ ટ્રેન અથવા દુરન્તો ટ્રેન ચાલુ કરવાની તાતી જરૂરત છે. ઘણા લાંબા સમયથી કચ્છ અને ઉત્તર પ્રદેશના લોકોની તીવ્ર માગણી છે. આલા હજરત સિવાય પણ એક ટ્રેન દૈનિક શરૂ કરવા રેલપ્રધાનને લોકસભામાં સાંસદ ચાવડાએ રજૂઆત કરી છે.
![lok sabha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjktc03bhujrailplandemandmpkutchscrtipphoto7202731_05122019122826_0512f_1575529106_1110.jpg)
![lok sabha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjktc03bhujrailplandemandmpkutchscrtipphoto7202731_05122019122826_0512f_1575529106_994.jpg)
તદ્ઉપરાંત 377 નિયમાધીન રજૂઆત કરતાં સાંસદે સુવિધાજનક ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની રજૂઆત કરી હતી. કચ્છ સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતો વિકાસશીલ જિલ્લો છે. વિશ્વસ્તરે પ્રવાસનધામ છે. લાખો કચ્છીઓ વિદેશમાં વસે છે. જેઓ સાંસ્કૃતિક, સામાજિક, પારિવારિક પ્રસંગે માદરે વતન કચ્છ સાથે જોડાયેલા છે. ઓમાન, દુબઇ, મસ્કત, યુ. કે. બ્રિટન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સહિત વિવિધ દેશોમાં કચ્છીઓ વિસ્તરેલા છે. તેમની કચ્છમાં સતત આવન-જાવન રહે છે. ભૂકંપ બાદ ઇન્ડસ્ટ્રીયલ સ્તરે તથા બે મહાબંદરો હોતાં કારોબારી રીતે પણ કચ્છ સાથે સતત જોડાયેલા છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કચ્છથી 400 કિ.મી. દૂર છે.તેથી યાત્રીઓનેપારાવાર મુશ્કેલીઓ થાય છે. સમય અને આર્થિક નુકસાની વેઠવી પડે છે. માટે ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા રજૂઆત કરી હતી.