મેષ : ઘરમાં સભ્યો સાથે આજે વાણી અને વ્યવહારમાં સૌમ્ય રહેવાની સલાહ છે. આ ઉપરાંત દરેકની જરૂરિયાતો પૂર્ણ કરવાનો તેમજ દરેક વાત સમજવાનો જેટલો વધુ પ્રયાસ કરશો એટલી સંબંધોમાં આત્મીયતા વધશે. છાતીમાં કે અન્ય કોઇ વિકારથી પરેશાની હોય તેવા જાતકોએ સ્વાસ્થ્યની કાળજી લેવી. વધુ પડતા નાણાંખર્ચથી સંભાળવું. મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરવા. બપોર પછી પ્રેમીજનો વચ્ચે મુલાકાતની શક્યતા ઘટશે. યાત્રા- પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.
વૃષભ : વર્તમાન સમયમાં આપને દરેક કાર્યમાં સફળતા મળશે. આપ પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો. પ્રિયપાત્રના સંગાથથી મનમાં આનંદ થાય. સમાજમાં માન સન્માન મળે, પરંતુ બપોર પછી પરિવારમાં સુલેહ માટે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. આપની પ્રફુલ્લિતતા અને સ્ફૂર્તિ ઘટી શકે છે. સ્ત્રીપાત્ર સાથે કાંઇક કારણસર અબોલા લેવાય.
મિથુન : આપને નકારાત્મક માનસિક વલણ ન રાખવાની સલાહ આપવામાં આવે છે. મન અસંતોષની લાગણીથી ઘેરાયેલું રહેશે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું ન હોય. શરીરનું સ્વાસ્થ્ય સારું ન રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન ન લાગે પરંતુ બપોર પછી આપનું મન પ્રફુલ્લિતતા અનુભવશે. નવા કામની શરૂઆત કરવાનું જોખમ પ્રાપ્ત થશે. હરિફો પર વિજય મેળવી શકશો. સ્વજનોના સંગાથથી મન ખૂબ આનંદિત થશે. આનંદમય પ્રવાસ થાય.
કર્ક : આજે આપ ભાવનાઓના પ્રવાહમાં વધુ પડતા ન તણાઇ જાઓ તેની ખાસ સલાહ આપવામાં આવે છે. કોઇપણ હેતુથી મુસાફરીની શક્યતા છે. આપનું આરોગ્ય સારું રહેશે. તેમજ મન પ્રફુલ્લિત રહેશે પરંતુ બપોર પછી આપના મનમાં હતાશાની લાગણી જન્મતાં મન અસ્વસ્થ બને. ઝડપથી આગળ વધવાની લાલસામાં ખોટા કાર્યો તરફ ના પ્રેરાતા. સમયસર ભોજન ના મળે તેવી પણ સંભાવના છે. વધારે ધનખર્ચની તૈયારી રાખજો.
સિંહ : આજે આપ કોઇ જરૂરી અને મોટા નિર્ણય લેવાનું ટાળો તેવી સલાહ આપવામાં આવે છે. કૌટુંબિક કાર્યો પાછળ ધનખર્ચ કરવો પડે. વાણી પર સંયમ રાખવો. સંબંધો અને કમ્યુનિકેશનમાં ગેરસમજ ટાળવી. સગાં- સંબંધીઓ સાથે મનદુ:ખ થાય પરંતુ મધ્યાહન બાદ આપના પ્રિય દોસ્તો સાથે સ્નેહીજનો સાથેની મુલાકાતથી આપનું મન ખુશ થઇ જશે. સુરૂચિપૂર્ણ ભોજન માણવા મળશે. દાંપત્ય સુખ સારું મળશે.
કન્યા : આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. દિવસના ભાગમાં આપના માટે લાભદાયી અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. શારીરિક માનસિક સુખશાંતિ રહેશે. વ્યવાસયક્ષેત્રે પણ સારું રહેશે પરંતુ બપોર પછી આપનું મન દ્વિધામાં અટવાયેલું રહેશે તેથી આપ મહત્વના નિર્ણયો નહીં લઇ શકો. વાણી પર સંયમ રાખવો જરૂરી બની રહેશે. કોર્ટકચેરીના કાર્યોમાં સાવચેતીપૂર્વક નિર્ણય લેવો.
તુલા : આજે પારિવારિક ક્ષેત્રે આનંદનું વાતાવરણ રહેશે. કુટુંબના સભ્યો વચ્ચે સુમેળ રહે. ઘરની સજાવટમાં નવીનતા લાવશો. નોકરી- ધંધામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી લાભ થાય. આર્થિક લાભ મળે. નાણાકીય આયોજનો સારી રીતે પાર પાડી શકો. પ્રિયપાત્ર સાથે મિલન થાય. તંદુરસ્તી સારી રહે. માનસિક શાંતિ અનુભવશો. સંતાનસુખ સારું મળે,
વૃશ્ચિક : આજનો દિવસ આપના માટે ભાગ્યવૃદ્ધિનો હોવાનું જણાઈ રહ્યું છે. વિદેશથી અથવા દૂરના અંતરેથી સારા સમાચાર પ્રાપ્ત થાય. શારીરિક અને માનસિક આરોગ્ય જળવાય. ધાર્મિક પ્રવાસ થાય. ધનલાભની શક્યતા છે. નોકરીમાં બઢતી મળવાના યોગ છે. આપના દરેક કાર્ય સફળતાપૂર્વક પાર પડે. માતા સાથેના સંબંધો સારા રહે. માન- સન્માન મળે. ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહેશે. પદોન્નતિ થવાની સંભાવના છે.
ધન : આજે આપને માંદગી પાછળ ખર્ચ કરવો પડે. કદાચ આ ખર્ચ આકસ્મિક પણ હોય. પરિવારના સભ્યો સાથે ખટરાગ ટાળવા માટે વાણી અને વ્યવહારમાં વધુ સૌમ્ય રહેવાની સલાહ છે. બહારનું ખાવા આજે માફક નહીં આવે માટે સાદું ભોજન લેજો. આજે કોઈપણ ખોટા કામ અથવા તમારી સામે પ્રશ્ન ઉઠે તેવા કામથી દૂર રહેવાની સલાહ છે. બપોર પછી નિર્ધારિત કાર્ય કરી શકશો. ખોટા વાદવિવાદ કે ચર્ચાથી દૂર રહેવા માટે શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું.
મકર : આજે સવારના ભાગમાં આપની શારીરિક તંદુરસ્તી નરમગરમ રહેશે. નિષેધાત્મક વિચારો દૂર કરી માનસિક હળવાશ માટે ધાર્મિક કાર્યોમાં અથવા મનપસંદ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. તેનાથી તમારા અભિગમમાં અને કાર્યશૈલીમાં ઘણી સકારાત્મકતા આવશે. આર્થિક ખેંચ અનુભવશો પરંતુ બપોર બાદ આપ શારીરિક સ્વસ્થતા અનુભવશો. આકસ્મિક ધનલાભના યોગ ઉભા થાય. નોકરિયાતોને નોકરીમાં લાભ થશે. મિત્રો અને સગાં- સ્નેહીઓ સાથે આનંદમાં સમય પસાર થાય. મુસાફરીનો યોગ છે.
કુંભ : આપનો વર્તમાન દિવસ ખૂબ સુખ- શાંતિ પસાર થશે. કૌટુંબિક જીવનમાં ખુશાલી છવાશે. તનમનથી સ્વસ્થતા અનુભવશો. વૈભવી મોજશોખ અને વાહનસુખ મળે. વ્યવસાય ક્ષેત્રે આપને લાભ થાય. નવા વસ્ત્રો અને આભૂષણોની ખરીદી થાય. વિજાતીય આકર્ષણ આપને મંત્રમુગ્ધ કરશે. નાની મુસાફરીની શક્યતા બની રહી છે.
મીન : આજે આપને અતિશય વિજાતીય આકર્ષણથી ચેતવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આપને માટે તે સંકટ લાવી શકે છે. કોઇ સાથે બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં ન પડવું. નવા કાર્યની શરૂઆત ન કરવી પરંતુ મધ્યાહન પછી પરિસ્થિતિમાં આપને એકાએક સુધારો વર્તાશે. આપ શરીર અને મનથી સ્વસ્થતા અનુભવશો. નોકરિયાતોને ઓફિસમાં સાનુકૂળ વાતાવરણ સર્જાશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો.