ધ ફોરમ અગેંસ્ટ સિટિઝનશીપ એક્ટ સુધારા બિલ (FACAB) અને આસામ સિવિલ સોસાયટીએ કહ્યું કે, તેઓ સર્વોચ્ચ અદાલતમાં જવા માટે દસ્તાવેજો તૈયાર કરી રહ્યાં છે.
બન્ને સંસ્થાઓએ અલગ-અલગ પત્રકાર પરિષદમાં લોકોને કહ્યું કે, તેઓ લોકશાહી અને શાંતિપૂર્ણ રીતે સંશોધિત નાગરિકતા કાયદા સામે વિરોધ પ્રદર્શન ચાલુ રાખે.
FACABના અધ્યક્ષ અને પ્રખ્યાત સાહિત્યકાર અને શિક્ષણવિદ હિરેન ગોહને જણાવ્યું કે, 'અમારા વકીલ કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં નિશ્ચિત તૈયારી સાથે અરજી દાખલ કરશે'.
હિંસક પ્રદર્શન અંગે FACABના સંયોજક અને વરિષ્ઠ પત્રકાર મંજીત મહંતે દાવો કર્યો, 'અમને આશંકા છે કે, આની પાછળ સરકારનો હાથ હોઈ શકે છે. અચાનક થયેલા જન વિરોધને બદનામ કરવા અને તેને દિશાહીન બનાવવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હોવાની મંજીત મહંતે આશંકા વ્યક્ત કરી છે'.
મીડિયા સાથે વાતચીતમાં ANSના મહાસચિવ પરેશ માલાકરે કહ્યું કે, 'અમારું સંગઠન કાયદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ જશે. કાયદાકીય લડતની સાથે લોકશાહી રીતે પ્રદર્શન ચાલુ રહેશે અને જ્યારે આસામના લોકોને તક મળશે ત્યારે ભાજપને સત્તામાંથી દુર કરવા અમે પ્રયાસ કરીશું'.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં આસામમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
બન્ને સંગઠનોએ કૃષિ મુક્તિ સંગ્રામ સમિતિના સલાહકાર અખિલ ગોગોઈ અને અન્યની ધરપકડની નિંદા કરી હતી અને તેમની તાત્કાલિક મુક્તિની માગણી કરી હતી. રાજ્યમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગોગોઈની ગુરુવારે અટકાયત કરવામાં આવી હતી.