હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં નવો રાજકીય વળાંક
પોતાની પ્રેસ કોન્ફરંસમાં અશોક તંવરે જણાવ્યું હતું કે, સમર્થકો સાથે ચર્ચા કર્યા બાદ અમે આ નિર્ણય લીધો છે અને હવે કોંગ્રેસ ત્રીજા અને ચોથા નંબર પર ચૂંટણી લડશે. વધુમાં તેમણે જણાવ્યું કે, આજે સર્જીકલ સ્ટ્રાઈક શરુ થઈ ગઈ છે. હવે કોંગ્રેસનું ઘમંડ તૂટશે.
દુષ્યંતને બનાવવા જોઈએ સીએમ
જેજેપીને સમર્થન આપતા તંવરે કહ્યું કે, અમે 21 તારીખ સુધી સાથે છીએ.દુષ્યંત હરિયાણામાં યુવાન ચહેરો છે તથા તેને મુખ્યપ્રધાન બનાવવો જોઈએ, અમે સારા માણસોનો સાથ આપીશું.
મહિલાઓ સાથે મુખ્યપ્રધાન ખટ્ટરનું વલણ યોગ્ય નથી
તો આ બાજુ સીએમ ખટ્ટરના મરેલી ઉંદડીવાળા નિવેદન પર બોલતા તંવરે જણાવ્યું કે, મહિલા માટે મુખ્યપ્રધાન ખટ્ટરનું વલણ યોગ્ય નથી.
તંવર સાથે એક-એક અગિયાર બનીશું.
આ દરમિયાન દુષ્યંત ચૌટાલાએ તંવરનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, હવે હરિયાણા બદલવા માગે છે અને કોંગ્રેસનું ઘમંડ તૂટશે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, અશોક તંવર મારા માટે મોટા ભાઈ સમાન છે, અને સારથી બની આગળ ચાલશે. અમે પ્રદેશમાં નવી આશા જગાવીશું અને તંવર સાથે મળી સફળ થઈશું.
તંવર પાસે પ્રદર્શનમાં ફક્ત એક જ વિકલ્પ
આપને જણાવી દઈએ કે, ટિકિટ વહેંચણીમાં નારાજ થયેલા હરિયાણા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું. તંવરે આપેલા રાજીનામા બાદ ચર્ચાઈ રહ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાશે પણ તેમણે અગાઉ સ્પષ્ટતા કરી દીધી કે, તેઓ ભાજપમાં નહીં જોડાઈ. જો કે, ભાજપ તરફથી તેમને પાર્ટીમાં આવવાનું નિમંત્રણ પણ મળ્યું હતું.
તંવરને મનાવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી
વચ્ચે તો એવું પણ કહેવાતું હતું કે, કોંગ્રેસ અશોક તંવરને મનાવી લેશે અને પાછા પાર્ટીમાં બોલાવી લેશે. પણ આવુ ન બન્યું. હકીકતમાં જોઈએ તો તંવરને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી એક પણ ટિકિટ આપવામાં નહોતી આવી. અશોક તંવર પોતાના સમર્થકો માટે 15 ટિકિટ માગી રહ્યા હતા. પણ જ્યારે ટિકિટોની જાહેરાત થઈ તો તંવરના ભાગે એક પણ ટિકિટ ન આવી. જેને લઈ સમર્થકોનું માન રાખી અશોક તંવરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું.