ન્યૂઝ ડેસ્ક: સંતુલિત આહારમાં વિટામિન એ, બી, સી, ડી, આયર્ન, સેલેનિયમ અને ઝિંક જેવાં પોષક તત્વો સમાવિષ્ટ હોવાં જોઇએ. આ વિટામિન્સ તથા ખનીજ તત્વોમાં રહેલાં માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ બેક્ટેરિયલ તેમજ વાઇરલ ઇન્ફેક્શન્સનો સામનો કરી શકે છે. તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જ્યારે રોગપ્રતિકારક વ્યવસ્થા નબળી હોય, ત્યારે શરીર સરળતાથી આવા હુમલાઓનો ભોગ બને છે. પ્રત્યેક વ્યક્તિએ પોષક આહાર અને તંદુરસ્ત આરોગ્ય ઉપર ભાર મૂકવો જોઇએ. આ સંદર્ભે, સુજાતા શું ખાવું જોઇએ અને શું ટાળવું જોઇએ, તે અંગે સમજૂતી આપે છે. જંક ફૂડ, એયરેટેડ ડ્રિંક્સ, પ્રોસેસ્ડ ફૂડ તથા આલ્કોહોલ રોગપ્રતિકારક વ્યવસ્થાને નુકસાન પહોંચાડશે. આવો આહાર આરોગવાથી રોગજનક જીવાણુઓ શ્વાસોચ્છવાસની વ્યવસ્થા ઉપર હુમલો કરવા માટે સક્ષમ બને છે. આ સંદર્ભમાં, સ્મોકર્સે તમાકુના સેવનથી માઇલો દૂર રહેવું જોઇએ. અન્યથા, ફેફસાં લડત પવાની તેમની ક્ષમતા ખોઇ બેસશે.
કોવિડ-૧૯ ફાટી નિકળ્યા બાદ ઘણાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. તેઓ સમયસર ભોજન આરોગવાના મામલે થોડા ઉદાસીન હોઇ શકે છે. કાં તો તેઓ ભોજન લેવાનું ટાળે છે અથવા તો વધુ પડતું આરોગી લે છે. પરિણામે, તેઓ તેમની પાચન વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. લોકોએ ભોજનના સમયને ચુસ્તપણે વળગી રહેવું જોઇએ. આલ્કોહોલ અને તમાકુનો ગમે તે ભોગે ત્યાગ કરવો જોઇએ. ઘરે હળવી કસરત કરવી જોઇએ. યોગ અને ધ્યાન મનના આરામ માટે ઉપયોગી નીવડી શકે છે. નિયમિત કસરતની પ્રક્રિયામાં શ્વાસની કસરતો શ્રેષ્ઠ ઉમેરો પુરવાર થાય છે. સોશ્યલ મીડીયા ઉપર ખોટી માહિતી ફેલાવવાથી દૂર રહેવું હિતાવહ છે.
અહીં ભોજન અને તેમાંથી મળતાં પોષકતત્વોની ટૂંકી યાદી આપવામાં આવી છેઃ
વિટામિન A: રોગપ્રતિકારક શક્તિ વધારે. એગ યોક (ઇંડાનો પીળો ભાગ), બદામ, પિસ્તા, સાબુત અનાજ, લીલાં પાંદડાંવાળી શાકભાજી અને ગાજરમાં વિપુલ માત્રામાં હોય છે.
વિટામિન B: B6, B9, અને B12 બેક્ટેરિયલ તથા વાઇરલ ઇન્ફેક્શન સામે લડત આપે છે. ચિકન, માછલી, ઇંડાં, મટન, બદામ, મગફળી, વટાણા અને દૂધમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે.
વિટામિન C: શરીરમાં ઝેરી તત્વો એકઠાં થતાં અટકાવે છે. કોશોને સ્વચ્છ કરે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. લીંબુ, ચેરી, કીવી અને ટામેટાંમાંથી મળે છે.
વિટામિન E: કોશોના વિકાસમાં મદદરૂપ બને છે. પિસ્તા, અખરોટ અને વેજિટેબલ ઓઇલ્સ તેનો સ્રોત છે.
વિટામિન D: શ્વાસોચ્છવાસને લગતાં ઇન્ફેકશન્સ સામે રક્ષણ આપે. સૂર્યપ્રકાશ એ વિટામિન ડીનો કુદરતી સ્રોત છે. ઉપરાંત, માછલી, ઇંડાં અને દૂધમાંથી પણ મળે છે.
ઝિંક: રોગપ્રતિકારક વ્યવસ્થામાં મદદરૂપ બનતા ઉત્સેચકો માટે ઉપયોગી છે. તે એન્ટિ-ઓક્સિડન્ટ્સ તરીકે કાર્ય કરે છે અને વાઇરલ ઇન્ફેક્શન સામે રક્ષણ પૂરું પાડે છે. સી ફૂડ, સૂકા મેવા અને ચિકનમાંથી મળી રહે છે.
આ કપરા સમયગાળા દરમિયાન લેવા માટેનું સંતુલિત ભોજન નીચે પ્રમાણે છેઃ
સવારના નાસ્તા (બ્રેકફાસ્ટ) માટે ઇડલી, ઢોંસા કે ઉપમા લેવાં જોએ. એક ગ્લાસ દૂધ સાથે ૫૦-૮૦ ગ્રામ ફણગાવેલા કઠોળ. બ્રન્ચ માટે છાશ, લેમનેડ અથવા ફ્રૂટ જ્યુસ લઇ શકાય. ફળો આરોગવાં ફરજિયાત છે.
બપોરના ભોજન (લંચ) માટે ૨૦૦ ગ્રામ બ્રાઉન રાઇસ, ૨૦૦ ગ્રામ શાકભાજી, દાળ, ૧૦૦ ગ્રામ ચિકન અને દહીંનું સેવન જરૂરી છે. બપોરે ત્રણ વાગ્યે હળવા નાસ્તા સાથે ચા કે કોફી લઇ શકાય.
રાત્રિ-ભોજન સાડા આઠ વાગ્યા સુધીમાં લઇ લેવું જોઇએ. ઘઉંની રોટલી કે જુવારનો રોટલો, રસાવાળા શાક સાથે એક કપ દહીં લઇ શકાય. રાત્રે સૂતાં પહેલાં એક કપ હળદરવાળું દૂધ લેવું ફાયદાકારક સાબિત થઇ શકે છે.