રાયપુર: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં ચાર નક્સલીઓને ઠાર કર્યા છે. બુધવારે બસ્તર ક્ષેત્રના પોલીસ મહાનિદેશક સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે, સુકમા જિલ્લાના જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ફુલમપાર ગામના જંગલમાં સુરક્ષા દળો દ્વારા ચાર નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
સુંદરરાજે જણાવ્યું હતું કે, DRG અને CRPFની કોબ્રા બટાલિયનની સંયુક્ત ટીમને જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી પ્રવૃત્તિની માહિતી મળતા પેટ્રોલીંગ માટે રવાના કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જ્યારે સુરક્ષાદળ ફુલમપાર ગામના જંગલમાં હતી ત્યારે નક્સલીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આ પછી, સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, થોડા સમય માટે બંને તરફથી ફાયરિંગ થઇ રહ્યું હતું. જે બાદ નક્સલીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં જ્યારે સુરક્ષા દળોએ સ્થળની તપાસ કરી હતી. ત્યારે ત્યાંથી ચાર નક્સલવાદીઓના મૃતદેહ, 303 રાઇફલ, બંદૂક અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું હતું કે, વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.