પોતાની આજીવન બચતને રાખવા માટે બૅન્કો પર ભરોસો મૂકતા સામાન્ય માણસ માટે મોટી રાહતમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે થાપણ વીમા કવચમાં ચાર ગણો વધારો કર્યો છે.
તેમણે એક બૅન્ક થાપણકારોને પ્રાપ્ય વીમાન કવચને એક ઝાટકે રૂ. ૧ લાખથી વધારી રૂ. પાંચ લાખ કરી નાખ્યું છે.
પ્રવર્તમાન પ્રણાલિ હેઠળ, રૂ. ૧ લાખ સુધીની બૅન્ક થાપણો થાપણ વીમા અને ધિરાણ બાંયધરી નિગમ (ડીઆઈસીજીસી) દ્વારા આવરી લેવાતી હતી.
જોકે, વધતી જતી આવક સાથે, રૂ. ૧ લાખનું વીમા કવચ અપૂરતું હોવાનું લાગી રહ્યું હતું.
ખાતાવહી પહેલાં સામાન્ય બૅન્કોના થાપણકારોએ બૅન્ક ઊઠી જાય તો તેવા કિસ્સામાં વીમા કવચની મર્યાદા રૂ. ૧ લાખથી વધારી રૂ. ૨ લાખ કરવાની માગણી કરી હતી.
ગયા વર્ષે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્ક જેવી બૅન્કોની નિષ્ફળતાથી સામાન્ય થાપણકારોમાં અનુસૂચિત વ્યાવસાયિક બૅન્કોમાં મૂકેલી તેમની આજીવન બચતની સલામતી વિશે ચિંતા સર્જાઈ છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, બૅન્કિંગ ક્ષેત્રની નિયામક ભારતીય રિઝર્વ બૅન્કે પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્કના સંચાલન પર નિયંત્રણો લાદ્યાં હતાં.
તેણે થાપણકારોને એક દિવસમાં રૂ. ૧૦,૦૦૦ કરતાં વધુ નાણાં બહાર કાઢવા પર નિયંત્રણ મૂક્યું હતું પરંતુ બાદમાં મર્યાદા વધારાઈ હતી.
જોકે તેનાથી બૅન્કના થાપણકારોને ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી કારણકે સેંકડો લોકોએ તેમની આજીવન બચતને ગુમાવી દીધી. આ નિયંત્રણો બૅન્કના અનેક થાપણકારોનાં મૃત્યુમાં પરિણમ્યાં.
થાપણ વીમા કવચ શું છે?
૧૯૬૦-૬૧માં, સરકારે બૅન્કના થાપણકારોને વીમા કવચ પૂરું પાડવા થાપણ વીમા નિગમ ખરડો પસાર કર્યો હતો.
અગાઉ તે માત્ર વ્યાવસાયિક બૅન્કોના કામકાજને જ લાગુ પડતો હતો. આરબીઆઈએ ૧૯૬૦માં ધિરાણ બાંયધરી યોજના પણ દાખલ કરી હતી, બાદમાં ૧૯૭૮માં તે બંનેને ભેગી કરી દેવામાં આવી અને બૅન્ક થાપણકારોની બચતના વ્યાજને રક્ષવા માટે આરબીઆઈ હેઠળ થાપણ વીમા અને ધિરાણ બાંયધરી નિગમની સ્થાપના કરવામાં આવી.
ડીઆઈસીજીસી વિદેશી બૅન્કો અને તમામ રાજ્યો, કેન્દ્રીય અને પ્રાથમિક સહકારી બૅન્કો સહિત તમામ વ્યાવસાયિક બૅન્કોમાં રહેલી થાપણને આવરી લે છે.
ડીઆઈસીજીસી એક જ બૅન્ક થાપણકારોની અલગ-અલગ બૅન્કોમાં રહેલી મુદ્દલ અને વ્યાજની રકમને દરેક બૅન્ક દીઠ રૂ. ૧ લાખ સુધી આવરી લે છે. હવે આ મર્યાદા આ વર્ષની ખાતવહીમાં રૂ. ૫ લાખ સુધી કરવામાં આવી છે.
(વરિષ્ઠ પત્રકાર કૃષ્ણાનંદ ત્રિપાઠી)