નવી દિલ્હી: નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓએ હવે ઈન્ટરનેશનલ કોર્ટમાં ફાંસીની સજા પર રોક લગાવવા માટે અપીલ કરી છે. ચારમાંથી ત્રણ દોષિતો અક્ષય, પવન અને વિનયે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી કરી છે અને ફાંસીની સજા પર રોક લગાવવાની માગ કરી છે.
નિર્ભયા ગેંગરેપ મામલામાં દોષિતોને 20 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે. આ અગાઉ દોષિતોએ ફાંસીથી બચવા માટે તમામ કાયદાકીય દાવપેચનો ઉપયોગ કરી લીધો છે. ચારમાંથી ત્રણ દોષિતો અક્ષય, પવન અને વિનયે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી કરી છે અને ફાંસીની સજા પર રોક લગાવવાની માગ કરી છે.
દોષિતોના વકીલે કહ્યું કે, કેસ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં રજૂ કરવામાં આવ્યો છે. દોષિતોના હકની વાતોની ઉપેક્ષા કરવામાં આવી છે. એટલા માટે કેટલાક વિદેશી એનજીઓ કેસને ઇન્ટરનેશનલ કોર્ટમાં લઇ ગયા છે. જોકે, આ વાતોની 20 માર્ચના રોજ ફાંસી પર કોઇ અસર પડવાની આશા નથી. આ કેસમાં વિશ્વભરના લોકો રસ લઈ રહ્યાં છે. વિદેશોમાં વસેલા લોકોને ભારતીય ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ નથી. તેથી તેણે આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે કહ્યું કે, ચારેય દોષીતો અને તેના પરિવારજનોને ભારતીય ન્યાય વ્યવસ્થા અને રાષ્ટ્રપતિ પર વિશ્વાસ છે. ચારેય દોષીતોના પરિવારજનો ઈચ્છે છે કે રાષ્ટ્રપતિ તેમને ઇચ્છામૃત્યુની મંજૂરી આપે.
આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટે દોષી મુકેશ સિંહની તે અરજીને નકારી દીધી હતી, જેમાં તેણે પોતાના તમામ કાયદાકીય ઉપાયોને તે કહેતાં ફરી આપવાની વિનંતી કરી હતી કે તેના જૂના વકિલે તેને ગેરમાર્ગે દોર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ કાયદાકીય ઉપાયો ફરી આપવાની વિનંતી કરતા નિર્ભયા મામલાના દોષી મુકેશ સિંહની અરજી વિચારણીય નથી.