નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાને લીધે લોકોના મોત થઈ રહ્યાં છે, ત્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)એ તાજેતરમાં આંકડા જાહેર કર્યાં છે. જે મુજબ દેશમાં વર્ષ 2019 દરમિયાન દેશમાં વર્ષ 2019માં 4,37,396 માર્ગ અકસ્માત થયા હતા, જેમાં 1,54,732 લોકોના મોત થયાં છે, જ્યારે 4,39,262 અન્ય ઘાયલ થયા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટામાંથી આ માહિતી બહાર આવી છે.
આ આકડાં મુજબ, 59.6 ટકા માર્ગ અકસ્માત ઝડપી ડ્રાઇવિંગને કારણે થયા હતા. જેમાં 86,241 લોકોના મોત થયાં છે. જો કે, વર્ષ 2018માં આ આંકડો 1,52,780 જેટલો હતો, જ્યારે વર્ષ 2017માં 1,50,093 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયાં હતા. NCRBના આંકડા મુજબ, વર્ષ 2019માં આકસ્માતથી મૃત્યુની સંખ્યા 4,21,959 નોંધાઈ છે, જેમાં માર્ગ અકસ્માત, કુદરતી આફતો અને માનવ બેદરકારીના કારણે થયેલા મોત સામેલ છે.
રિપોર્ટ મુજબ, માર્ગ અકસ્માતની 38 ટકા ઘટનાઓ ટુ-વ્હીલર્સની જ છે. જ્યારે ટ્રક અથવા લોરી, કાર અને બસો સંબંધિત કેસો બહુ ઓછા છે. NCRBનાં જણાવ્યા અનુસાર, ખતરનાક, બેદરકારીભર્યુ ડ્રાઇવિંગ અથવા ઓવરટેકિંગના 25.7 ટકા કેસ છે, જેના પગલે 42,557 લોકોના મોત થયાં છે. આ રિપોર્ટ અનુસાર, માત્ર 2.6 ટકા માર્ગ અકસ્માત ખરાબ હવામાનની સ્થિતિને કારણે થયા છે. જાહેર થયેલા રિપોર્ટ મુજબ, 59.5 ટકા માર્ગ અકસ્માત ગ્રામીણ વિસ્તારોમાં થયા છે, જ્યારે 40.5 ટકા અકસ્માત શહેરી વિસ્તારોમાં થયા છે.
NCRBનાં વાર્ષિક આંકડા અનુસાર, વર્ષ 2019 માં રેલવેને લગતા કુલ 27,987 અકસ્માતો નોંધાયા છે. જેમાં 3,569 લોકોનાં મોત અને 24,619 લોકો ઘાયલ થયા હતા. તગ વર્ષે રેલ્વે ક્રોસિંગના 1,788 અકસ્માતો નોંધાયા હતા, જેના પરિણામે 1,762 મૃત્યુ અને 165 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 851 અકસ્માતો નોંધાયા છે.