- સુરતના કીમ રોડ પર 15 શ્રમજીવીઓ પર ટ્રક ફરી વળતા તમામના થયા હતા મોત
- તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના હોવાથી તમામના મૃતદેહ રાજસ્થાન મોકલાયા હતા
- આજે રાજસ્થાનમાં તમામ 15 શ્રમજીવીઓના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
- રસ્તો ખરાબ હોવાથી ગુજરાતથી આવેલી બસને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
બાંસવાડાઃ સુરતના મૃતકોના મૃતદેહ મંગળવારે રાત્રે 12 વાગ્યે કુશલગઢ પહોંચ્યા હતા. અહીં ભગતપુરામાં મઈડાફલામાં ઘાટી પર તમામ મૃતકોના ઘર છે. 10 ઘરની આ વસ્તી વચ્ચે પહોંચવા માટે કાચા રસ્તા પરથી આવવું પડ્યું હતું. સુરતથી સ્લીપર કોચ બસમાં આ મૃતદેહોને લાવવામાં આવ્યા હતા. જોકે, બસને અહીં પહોંચતા ખૂબ જ મુશ્કેલી પડી હતી. એવામાં મૃતદેહોને કુશલગઢ-રતલામ માર્ગ પર ઉતારવામાં આવ્યા. અહીંથી ટ્રેક્ટર ઉપર 1 કિલોમીટર દૂર ઘર સુધી લઈ જવાયા. આવી જ હાલત ગરાડખોરામાં પણ જોવા મળી. અહીંથી મૃતદેહોને મુખ્ય માર્ગ પર ઉતારવામાં આવ્યા હતા.
મૃતકોના ઘર દૂર હોવાથી ટ્રેક્ટરમાં લવાયા
મૃતકોના ઘર 2 કિલોમીટર દૂર હોવાના કારણે ટ્રેક્ટરમાં મૃતદેહને લાવવામાં આવ્યા હતા. મૃતદેહોને મુક્યા બાદ બસ રવાના થઈ ગયઈ હતી. ત્યારબાદ સજ્જનગઢ ક્ષેત્રના મસ્કા ગામમાં એક મૃતદેહ લવાયો, જ્યારે આ ગામના બીજા મૃતકોના મૃતદેહને અડધી રાત્રે જ એમ્બુલન્સમાં લાવવામાં આવ્યા હતા.
મૃતદેહોની બીજી વાર તપાસ કરાઈ
ગામમાં મૃતદેહો લઈને પહોંચ્યા બાદ ગુજરાત પોલીસે મૃતકોના પર્સ, ફોટોની સાથે દરેક મૃતદેહ પરથી કફન હટાવીને પરિવારજનોને બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. સુરતમાં કીમ રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામેલા 15 શ્રમજીવીઓના અંતિમ સંસ્કાર બુધવારે બાંસવાડામાં કરવામાં આવ્યા હતા.
રાજસ્થાનના પ્રધાનોએ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે રાજસ્થાન સરકારની ટીએડી પ્રધાન અર્જુનસિંહ બામનિયા, ધારાસભ્યા રમીલા ખડિયા, જિલ્લા પ્રમુખ રેશમ માલવિયા પણ પહોંચ્યા હતા.