આગ્રાઃ આગ્રા જિલ્લાની જેલ કોરોના વાઈરસના નવા હોટસ્પોટ તરીકે ઉભરી આવી છે. અહીં કોરોના વાઈરસથી 10 કેદીઓ સંક્રમિત થયા છે. મંગળવારે, કેદીઓના બીજા કોરોના રિપોર્ટમાં 10 કેદીઓ કોવિડ-19 પોઝિટિવ નોંધાયા છે. જે બાદ 100 કેદીઓને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. દરમિયાન, જેલ પ્રશાસને ડીજી જેલને પત્ર લખીને કોરોના પોઝિટિવનો અહેવાલ આપ્યો છે. તેમજ જેલ પ્રશાસને કોરોના પોઝિટિવ માટે અલગ વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
મળતી માહિતી અનુસાર, 3 મેના રોજ એક કેદીની હાલત ગંભીર હતી. જે બાદ કેદીને સરોજિની નાયડુ મેડિકલ કોલેજમાં કોરોના ટેસ્ટ માટે દાખલ કરાયો હતો. આ કેદીનો કોરોના ટેસ્ટ 4 મેના રોજ યોજાયો હતો. 6 મેના રોજ રિપોર્ટ આવ્યો હતો. પરંતુ 9 મેના રોજ કેદીનું મોત નીપજ્યું હતું. કેદીનાં મોત બાદ આખી સેન્ટ્રલ જેલમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી, કેદીના સંપર્કમાં આવતા 14 કેદીઓને અને 13 જેલ સુરક્ષા કર્મચારીઓને અલગ રાખવામાં આવ્યા હતા અને તેમના નમૂનાઓ ચકાસવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટ બાદ 10 કેદીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેલના 3 કર્મચારીઓનો રિપોર્ટ આવવાનો બાકી છે.