હાવડા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને રાજ્યપાલે હાવડામાં પથ્થરમારાની ઘટનાઓ બાદ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સાવચેતીના પગલા તરીકે, આજે સવારે હાવડાના ઘણા ભાગોમાં ઇન્ટરનેટ સેવા થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી, જે હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સાથે જ હિંસાની ઘટનાઓની સીઆઈડી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
બેનર્જીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો: મુખ્યપ્રધાન બેનર્જીએ આરોપ મૂક્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) અને બજરંગ દળ જેવા અન્ય જમણેરી સંગઠનો હાવડામાં હિંસામાં હથિયારો સાથે સામેલ હતા. દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ મુદ્દાને લઈને રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર અથડામણ દરમિયાન જેમની સંપત્તિને નુકસાન થયું છે તે તમામને મદદ કરશે.
કેન્દ્રીય ગૃહપ્રધાને કરી સમીક્ષા: રાજ્યપાલે કહ્યું કે ગુનેગારો સામે અસરકારક અને નક્કર કાર્યવાહી કરવામાં આવશે. સાર્વજનિક મિલકતોને આગ લગાડવી, તે પણ રામ નવમીના પવિત્ર દિવસે, ખૂબ જ ઉશ્કેરણીજનક કૃત્ય છે અને તેને ગંભીરતાથી લેવામાં આવશે. બોસે જણાવ્યું હતું કે સામાન્ય માણસના જીવન, સંપત્તિ અને ગૌરવની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજભવન તેની આંખો અને કાન ખુલ્લા રાખશે. બોસ સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાને રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ ખાસ કરીને હાવડાના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો: Vadodara Stone Pelting: ફતેપુરા વિસ્તારમાં પથ્થરમારા મામલે SITની રચના, પોલીસ દ્વારા કોમ્બિંગની કામગીરી
પોલીસકર્મીઓ પર પથ્થરમારો: રાજ્યપાલે હિંસા અને વર્તમાન પરિસ્થિતિ વિશે ગૃહપ્રધાનને માહિતી આપી છે. શુક્રવારે અજાણ્યા લોકોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે લોકોને વિખેરવા માટે લાઠીનો ઉપયોગ કરવો પડ્યો હતો અને પથ્થરમારામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ એજન્સીને જણાવ્યું કે કાઝીપાડા વિસ્તારમાં ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Operation Amritpal: પપલપ્રીત અને અમૃતપાલ સિંહના અન્ય CCTV ફૂટેજ સામે આવ્યા
45 લોકોની ધરપકડ: ગુરુવારથી અત્યાર સુધીમાં હિંસાના સંબંધમાં 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું, 'બપોર સુધી સ્થિતિ શાંતિપૂર્ણ હતી. જેના પગલે પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. અમારા અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધા અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી. કોલકાતા પોલીસની રેપિડ એક્શન ફોર્સ (RAF)ની એક ટીમ શુક્રવારે બપોરે આ વિસ્તારમાં મોકલવામાં આવી હતી. પથ્થરમારાની ઘટનાઓ બાદ જવાનોએ 'રૂટ માર્ચ' કાઢી હતી.