રાયપુર : અરંગના ચરોડા ગામમાં રવિવારે સાંજે કૂવામાં પડી જવાથી ત્રણ બાળકોના મૃત્યુ નિપજયા હતા. ત્રણેય બાળકો એક જ પરિવારના છે. જેમાં બે ભાઈ-બહેન અને પિતરાઈ ભાઈનો સમાવેશ થાય છે. જામફળ તોડતી વખતે આ અકસ્માત થયો હતો. એક જ ઘરના ત્રણ બાળકોના મૃત્યુના પગલે પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છે.
બાળકો જામફળ તોડવા ઝાડ પર ચઢ્યા : ત્રણેય માસૂમમાં એક 8 વર્ષીય કેસર સાહુ, 5 વર્ષીય ઉલ્લાસ સાહુ અને 4 વર્ષીય પાયસ સાહુ ઘરના આંગણામાં જામફળના ઝાડ પર ચઢ્યા હતા. જે વૃક્ષને અડીને જ એક કૂવો હતો. જે જાળીથી ઢંકાયેલો હતો. ત્રણેય બાળકો જામફળ તોડવા ઝાડ પર ચડ્યા તે દરમિયાન ઝાડની ડાળી તૂટીને કૂવાની જાળી પર પડી હતી. જાળીની નબળાઈને કારણે તે તૂટી ગઈ હતી અને બાળકો કૂવામાં પડી ગયા હતા.
ઝાડની ડાળી તૂટીને કૂવામાં પડી : બાળકો કૂવામાં પડયાની કોઈને જાણ થઈ નહીં. લાંબા સમય બાદ પણ બાળકો ઘરે પરત ન ફરતા સગાસંબંધીઓએ તેમની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન કૂવામાં પડેલી જાળી તૂટેલી જોવા મળી હતી, સાથે જામફળના ઝાડની કેટલીક ડાળીઓ પણ વેરવિખેર પડેલી જોવા મળી હતી. કંઇક અઘટિત થવાની આશંકાથી પરિવારજનોએ કૂવામાં શોધખોળ કરી હતી. આ દરમિયાન કુવામાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. કૂવામાંથી એક પછી એક ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવતા ઘરમાં અને ગામમાં ચકચાર મચી ગઈ હતી. અરંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કમલા પુસમ ઠાકુરે જણાવ્યું કે, કુવામાંથી ત્રણ બાળકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. તેનું પોસ્ટમોર્ટમ કરીને તેના સંબંધીઓને સોંપવામાં આવ્યું છે.