- બીજેપીમાં સામેલ નથી થઈ રહ્યા અમરિંદર સિંહ
- કેપ્ટને કહ્યું- ખાલી કૉંગ્રેસ જ છોડી રહ્યો છું
- અમરિંદર સિંહે અમિત શાહ અને અજિત ડોભાલ સાથે કરી બેઠક
નવી દિલ્હી: પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amarinder Singh) કહ્યું છે કે, તેઓ ભાજપ (BJP)માં સામેલ નથી થઈ રહ્યા. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, "હું બીજેપીમાં સામેલ નથી થઈ રહ્યો, પરંતુ કૉંગ્રેસ છોડી રહ્યો છું, અપમાન સહન ના કરી શકું."
શાહ સાથે મુલાકાતમાં કૃષિ કાયદાઓ પર ચર્ચા
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. શાહને મળ્યા બાદ અમરિંદર સિંહે ટ્વીટ કરીને લખ્યું હતું કે, અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન તેમણે કૃષિ કાયદાઓના કારણે ઉભી થયેલી મડાગાંઠ વિશે વાત કરી.
કૉંગ્રેસથી નારાજ અમરિંદર સિંહ
18 સપ્ટેમ્બરના પંજાબના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદથી કેપ્ટન અમરિંદર કૉંગ્રેસથી નારાજ છે. નવજોત સિંહ સિદ્ધુને લઇને અમરિંદર સિંહે ખાસ રીતે આક્રમક વલણ અપનાવ્યું છે. રાજીનામું આપ્યા બાદ કેપ્ટને કહ્યું કે, તેમનું અપમાન થયું છે.
2017થી શરૂ થઈ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે ખેંચતાણ
2017ની વિધાનસભા ચૂંટણીની ઠીક પહેલા નવજોત સિંહ સિદ્ધુ કૉંગ્રેસમાં જોડાયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં અમૃતસર લોકસભા સીટથી ચૂંટણી લડવા ઇચ્છતા હતા, પરંતુ બીજેપીએ અરુણ જેટલીને ઉમેદવાર બનાવી દીધા. વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની સરકાર બની તો સિદ્ધુ રાહુલ અને પ્રિયંકા ગાંધીના નજીકનાઓમાં સામેલ થઈ ગયા. તેઓ અમરિંદર સિંહની સરકારમાં પ્રવાસન અને મ્યુનિસિપલ સંસ્થાઓના પ્રધાન બન્યા. અહીંથી અમરિંદર સિંહ અને સિદ્ધુમાં ખટરાગ શરૂ થયો.
અમરિંદરના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ સિદ્ધુએ ખુદની સરકારને ઘેરી
મુખ્યપ્રધાન તરીકે કેપ્ટન પોતાના પ્રધાન નવજોત સિંહ સિદ્ધુની કામ કરવાની રીતથી નારાજ હતા. બીજી તરફ સિદ્ધુ પણ વાયદા પ્રમાણે ડેપ્યુટી સીએમ ના બનાવવાથી નારાજ થઈ ગયા. ટીવી શોમાં સિદ્ધુની મજાક ઉડાવવામાં આવી તો કેપ્ટને તેમનો વિભાગ બદલી દીધો. ત્યારબાદ તો સિદ્ધુએ અમરિંદર સિંહને પડકાર આપવાનું શરૂ કરી દીધું. જ્યારે પાકિસ્તાની સેના પ્રમુખ બાજવા સાથે મુલાકાત બાદ સિદ્ધુની ટીકા શરૂ થઈ તો અમરિંદર સમર્થકોએ સિદ્ધુને બરાબરના ઘેર્યા. 20 જુલાઈ 2019ના સિદ્ધુએ અમરિંદર સિંહના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ તેઓ હંમેશા પોતાની જ સરકારની ટીકા કરતા રહ્યા.
કેપ્ટન અને ભાજપ એક થાય તો બંનેને ફાયદો
ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યપ્રધાનની ખુરશી છોડતા સમયે કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ કરી દીધું છે કે વિકલ્પ ખુલ્લો છે. છેલ્લા કેટલાક દિવસથી ભાજપના નેતા પણ કેપ્ટનની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા. કેપ્ટનના ભાજપ સાથે સંબંધ વધી રહ્યા છે. કેપ્ટનની ખેડૂતોમાં સારી પકડ છે અને બંનેનું કોમ્બિનેશન કેપ્ટન અને ભાજપ બંને માટે વરદાન સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: પંજાબમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે અમરિંદર સિંહે અમિત શાહ સાથે લગભગ એક કલાક મુલાકાત કરી
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા વિપક્ષી દળો પર પ્રહારનો આપ્યો મંત્ર