પ્રયાગરાજઃ અલ્હાબાદ હાઈકોર્ટે એક આદેશમાં કહ્યું છે કે POCSO એક્ટ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને યૌન શોષણથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. તેનો હેતુ કિશોરો વચ્ચેના સહમતિપૂર્ણ પ્રેમ સંબંધોને ગુનાહિત બનાવવાનો નથી. પરંતુ વર્તમાન સમયમાં ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો આ કાયદાનો ઉપયોગ શોષણની પદ્ધતિ તરીકે કરી રહ્યા છે.
POCSOને લઇને હાઇકોર્ટનું નિવેદન : અલ્હાબાદ હાઈકોર્ટે દરેક કેસના તથ્યો અને સંજોગોના આધારે ગુનાને જોવા પર ભાર મૂક્યો અને કહ્યું કે જામીન આપતી વખતે સહમતિથી પ્રેમ સંબંધની હકીકત ધ્યાનમાં લેવી જોઈએ. કોર્ટે કહ્યું કે જો પીડિતાના નિવેદનની અવગણના કરવામાં આવે અને આરોપીને ભોગવવા માટે જેલમાં ધકેલી દેવામાં આવે તો તે ન્યાય નહીં ગણાય. જસ્ટિસ કૃષ્ણા પહલે આ આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે જાલૌનના ફોજદારી કેસના આરોપી મૃગરાજ ગૌતમ ઉર્ફે રિપ્પુની જામીન અરજી સ્વીકારી તેને જેલમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. અરજી અનુસાર, અરજદાર પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યારે અરજદારને પીડિતા સાથે સહમતિથી પ્રેમ સંબંધ છે. પીડિતાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી ન હોવાનું પણ કહેવાયું હતું. ઉપરાંત, અરજદારનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી.