ભોપાલઃ ભારત વિરૂદ્ધ સરહદ પર અત્યારે એક તરફ ચીન અને બીજી તરફ પાકિસ્તાન અટકચાળા અને ષડયંત્ર કરી રહ્યું છે. ચીન ભારતના પ્રદેશો પર જે રીતે ગેરકાયદેસર કબ્જો જમાવી રહ્યું છે તે સમગ્ર વિશ્વ જાણે છે. પાકિસ્તાન તો ભારતની સરહદ પર ઘુસણખોરી માટે કુખ્યાત છે. સમગ્ર વિશ્વમાં હવે તે આતંકવાદીઓને આશ્રય આપતા દેશ તરીકે કલંકિત થઈ ચુક્યું છે. જો આ બંને દેશો સાથે યુદ્ધની સ્થિતિ બને તો ભારતની સેના બંનેના દાંત ખાટા કરી શકે તેમ છે. ભારતની વાયુ સેનાની ક્ષમતા અને તૈયારીઓ વિશે એર માર્શલે નિવેદન આપ્યું છે. ભારતીય વાયુ સેના બંને દેશો સાથેના યુદ્ધને પહોંચી વળવા સક્ષમ છે.
ઈ ટીવી ભારત સાથે ખાસ વાતચીતઃ ભોપાલમાં ચાલી રહેલા એર શો દરમિયાન ભારતના એર માર્શલને યુદ્ધ સંદર્ભે સવાલ કરવામાં આવ્યો હતો. એર માર્શલ વિભાસ પાંડેએ પૂરા આત્મવિશ્વાસ સાથે ભારતીય વાયુ સેનાની ક્ષમતા જાહેર કરી છે. એર માર્શલ પાંડેએ ઈટીવી ભારતના પત્રકાર આદર્શ ચૌરસિયા સાથે કરી ખાસ વાતચીત.
મધ્ય પ્રદેશમાં એરબેઝ વધશેઃ મધ્ય પ્રદેશ રાજ્યમાં વાયુ સેનાની કાર્યક્ષમતાને મજબૂત કરવા માટે એરબેઝની સંખ્યા વધશે તેવું એર માર્શલે જણાવ્યું છે. આ એરબેઝ ક્યાં અને કેટલી સંખ્યામાં વધશે તે ગોપનીય હોવાથી તેની માહિતી એર માર્શલે આપી નથી. અત્યારે મધ્ય પ્રદેશમાં ઈન્ડિયન એરફોર્સનો એક જ એરબેઝ ગ્વાલિયરમાં છે. જ્યાંથી ભારતીય વાયુ સેના પોતાના વિમાનોનું સંચાલન કરે છે.
શા માટે ભોપાલમાં એર શો?: ભોપાલની ભૌગોલિક પરિસ્થિતિને લીધે એર શો માટે તેની પસંદગી કરવામાં આવી છે. ભોપાલનું વાતાવરણ સ્વચ્છ અને પાણી પરથી વિમાનોના કરતબ સરળતાથી જોઈ શકાય છે. તેથી આ એર શો માટે ભોપાલની પસંદગી કરવામાં આવી હોવાનું એર માર્શલે જણાવ્યું છે.