નવસારી: હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં શંખને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, શંખને દેવી લક્ષ્મીના મોટા ભાઈ તરીકે માનવામાં આવે છે, શંખનો ઉપયોગ પૂજામાં એક મહત્વપૂર્ણ સાધન તરીકે થાય છે. જે નેગેટિવ એનર્જીને દૂર કરીને પોઝિટિવીટીને આકર્ષવામાં મદદ કરે છે. સમુદ્રના પેટાળમાં માનવી કલ્પના પણ ન કરી શકે તેવા શંખ અને છીપની લાખો પ્રજાતિઓનો ખજાનો ધરબાયેલો છે.
શંખપ્રેમી દંપત્તી: સમાન્ય લાગતા શંખ અને છીપની હજારો પ્રજાતિઓમાંથી વિવિધ આકાર, રંગ અને ડિઝાઇન ધરાવતા શંખ અને છીપલાને સંગ્રહિત કરવાનો શોખ ધરાવતા નવસારીના તલોધના પટેલ દંપતીએ ઘરમાં જ " સમુદ્રાંશ" નામથી શંખનું સંગ્રહાલય બનાવ્યુ છે. સાથે જ શંખ વિશે અભ્યાસ કરી, તેને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
શંખનું બનાવ્યું સંગ્રહાલય: નવસારીના ગણદેવી તાલુકાના નાનકડા એવા તલોધ ગામે રહેતા મેહુલ પટેલ.. મેહુલને નાનપણથી સમુદ્ર પ્રત્યે ખુબ લગાવ રહ્યો છે. જેથી જ્યારે પણ તેઓ દરિયા કિનારે જાય શંખ અને છીપલા વગેરે શોધીને ઘરે લાવવાનું ભુલતા ન હતા. વર્ષ 2007થી શંખ અને છીપનો સંગ્રહ કરતા કરતા અત્યાર સુધીમાં તેમણે સારા પ્રમાણમાં શંખ અને છીપનો સંગ્રહ કરી લીધો છે.
દેશ-દુનિયામાંથી ભેગા કર્યા અવનવા શંખ: એમાં પણ 7 વર્ષ બાદ તેમના જીવન સંગિની હિરલના આવ્યા બાદ તેમનો આ શોખ બેવડાયો. અને 10 વર્ષ દરમિયાન મેહુલ અને તેમના પત્ની હિરલે ભારતના મોટા ભાગના દરિયા કિનારાઓ અને વિદેશમાં થાઇલેન્ડ, ફિલિપાઇન્સ જેવા દેશોના સમુદ્ર કિનારાઓના પ્રવાસ દરમિયાન 5 સેન્ટી મીટરથી લઈ, 2 ફૂટથી વધુ લંબાઈના શંખ અને છીપલાઓ તેમજ શંખમાંથી મળતા ગોમતી ચક્ર, પૃથ્વીમાંથી મળતા શાલિગ્રામ, કોળી, મોતી જેવી દરિયાઈ સંપત્તી કહી શકાય તેનો સંગ્રહ કર્યો છે અને તલોધમાં જ એક સંગ્રહાલય બનાવ્યું છે.
મેહુલના પત્નીએ શંખમાં કંડારી કળા: મેહુલના પત્ની હિરલને કળામાં ઘણો રસ છે. જેથી પતિના શોખમાં તેમને તેમની કળાને પણ વિકસાવવાનો વિકલ્પ દેખાયો. જેથી હિરલે મેહુલને સહયોગ આપ્યો અને શંખના સંગ્રહ સાથે જ શંખ, કોડી, મોતી વગેરેનો ઉપયોગ કરી વિવિધ શોપીસ, જ્વેલરી, આર્ટ પીસ, યુટેંસિલ વગેરે બનાવવાની પદ્ધતિ શીખી છે. સાથે જ સ્થાનિક સ્તરે જેને કોડી કે મોતી જોઈએ તો તેમને મેળવી આપવાનો પ્રયાસ પણ કરે છે.
પટેલ દંપતીએ પોતાની વેબસાઈટ પણ વિકસિત કરી: જ્યારે દરિયા કિનારેથી શંખ કે છીપ શોધતી વેળાએ એમાં જીવ હોય તો એને હાની ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખે છે. મોટા ભાગે હરાજી થકી જ શંખ મેળવતા હોય છે. ત્યારબાદ તેના આકાર, રંગ, ડિઝાઇન આહરિત એનું નામ શોધી એનો ડેટા તૈયાર કરે છે. પટેલ દંપતીએ પોતાની વેબસાઈટ પણ વિકસિત કરી છે જેમાં શંખ વિશેની તમામ માહિતી પુરી પાડી રહ્યાં છે.
મહત્વપૂર્ણ છે કે, સનાતન ધર્મમાં શંખ વિશે અનેક માન્યતા અને અવધારણા છે, જેને પણ વૈજ્ઞાનિક ઢબે સમજાવવાનો પ્રયાસ આ પટેલ દંપતી કરી રહ્યું છે. ત્યારે શંખ છીપ સમગ્ર કરવાના શોખ સાથે તેના વિશેની નાનામાં નાની માહિતી મેળવી વિદ્યાર્થીઓ અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરનાર મેહુલ અને હિરલ બંને શંખનું એક વિશાળ સંગ્રહાલય બનવવાનું સપનું સેવી રહ્યા છે.