અમરેલી: જિલ્લાના દિગ્ગજ ભાજપ નેતા ડો. ભરત કાનાબારે નેતા અને અધિકારીઓને ટાચમાં લઇને સોશિયલ મીડિયા એપ X પર ટ્વીટ કર્યું છે. જેમાં IPLની હરાજી કિંમત અંગે ડો ભરત કાનાબારે ટ્વીટ કરીને ક્રિકેટરો, કલાકારો, અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે નિશાન તાક્યું હતું,
ભાજપ નેતાએ શું લખ્યું?: ભાજપ નેતા ડો. ભરત કાનાબારે પોતાના X એકાઉન્ટમાં ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે, IPLમાં ક્રિકેટરોને જે અધધ કિંમતે ખરીદાયા છે. તે આંકડો વાંચીને એમ લાગે કે ભારતમાં ગરીબી જેવું કાંઈ નથી. 27 કરોડથી વધુ કિંમતે ખરીદાયેલા રિષભ પંતની 1 વર્ષ વર્ષની આવકમાંથી વર્ષે 5 લાખમાં જીવન વ્યતિત કરતા 540 શહેરી મધ્યમવર્ગીય પરિવારનું (2200 વ્યક્તિ) એક વર્ષ નીકળી જાય છે. તનતોડ પરિશ્રમ કરી દૈનિક 250 રૂપિયાનું વેતન કમાતા નરેગા યોજનાના મજૂરોને આટલું કમાવવા 3000 વર્ષ(હા, ત્રણ હજાર વર્ષ) મજૂરી કરવી પડે છે.
જંગી કમાણી કરનારા ક્રિકેટરો જ નથી: આગળ X પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, આવી જંગી કમાણી કરનારા માત્ર ક્રિકેટરો જ નથી. આ યાદીમાં ઓછા મહેનત અને સામાન્ય આવડતના જોરે અઢળક ધન કમાતા બોલિવુડના કલાકારો, ઘણા અધિકારીઓ અને રાજકીય નેતાઓ પણ આવી જાય છે. જોઈને ચક્કર આવી જાય તેવી આર્થિક અસમાનતાની આ ઊંડી ખાઈ પરથી એવું લાગે કે ઈશ્વરના ઘેર અંધેર સિવાય બીજું કંઈ નથી. સત્ય અને વાસ્તવિકતાઓને ઉજાગર કરતું ટ્વિટ ભાજપના નેતા ડો. ભરત કાનાબારે કર્યું હતું.
આ પણ વાંચો: