કરૌલી : જિલ્લામાં ગુરૂવારે દલિત યુવતી સાથે જીવ દ્રવી ઉઠે તેવું કૃત્ય થયું છે. આ યુવતીનું અપહરણ કરીને તેની હત્યા કરી દેવામાં આવી છે. બાદમાં તેના મૃતદેહ પર એસિડ નાખી દેવાનો સનસની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ સાંસદ કિરોડી લાલ મીણા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાંસદ મૃતક યુવતીના પરિવારજનો સાથે ધરણા પર બેસી ગયા. સાંસદ કિરોડી લાલ મીણાએ યુવતી પર સામૂહિક બળાત્કાર થયો હોવાની વાત કરી છે.
યુવતી ગુમ હતી : સાંસદે માંગ કરી છે કે, સરકાર મૃતકાના પરિવારના સભ્યોને 50 લાખ રૂપિયાનું વળતર તથા પરિવારના સભ્યોને નોકરી આપવામાં આવે. ઉપરાંત તાત્કાલિક ગુનેગારોની ધરપકડ કરવામાં આવે ત્યારબાદ જ યુવતીનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાંસદે કહ્યું કે, જિલ્લાના બાલાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી યુવતી ગુરુવારે વહેલી સવારે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેનો મૃતદેહ નદૌટી સબડિવિઝનના ભીલાપાડામના એક કૂવામાંથી મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ પ્રશાસનના અધિકારીઓ ધરણા પર બેસેલા પરિવારના સભ્યો અને ડો. કિરોડીલાલ મીણાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કૂવામાં મળ્યો મૃતદેહ : ગ્રામજનો જ્યારે કૂવામાં પાણી ભરવા ગયા ત્યારે તેમણે મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી તેની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગુમ થયેલી યુવતી અંગે સંબંધીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ હતી. મૃતદેહની ઓળખ બાદ પોલીસે મૃતદેહને હિંડૌન હોસ્પિટલના શબઘરમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી.
સાંસદનું ધરણા પ્રદર્શન : ઘટનાની માહિતી મળતાં જ ગ્રામજનો અને સાંસદ કિરોડી લાલ મીણા હિંડૌન જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેઓ પરિવારના સભ્યો અને ગ્રામજનો સાથે ધરણા પર બેસી ગયા હતા. ડૉ. કિરોડી લાલ મીણાનું માનવું છે કે દલિત યુવતી સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની છે. તેમણે કહ્યું કે ગેહલોત સરકારના શાસનમાં કોઈપણ બાળકી સુરક્ષિત નથી. તેમણે સરકાર પાસે ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવા, પરિવારના સભ્યોને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય અને આશ્રિતોને નોકરી આપવાની માંગ કરી છે.
એક દલિત છોકરીનું પહેલા અપહરણ થયું અને પછી સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. ત્યારબાદ યુવતીની ઓળખ ન થાય તે આશયથી આરોપીઓએ તેના ચહેરા પર એસિડ નાખી દીધા હતો. ત્યારબાદ યુવતીના મૃતદેહને ક્ષતિગ્રસ્ત હાલતમાં કૂવામાં નાખીને ભાગી ગયા હતા. આનાથી વધુ નિંદનીય ઘટના શું હોઈ શકે? --- કિરોડી લાલ મીણા (સાંસદ)
યુવતીની માતાનું નિવેદન : આ અંગે મૃતક બાળકીની માતાએ જણાવ્યું કે, જ્યારે હું સવારે 3 વાગ્યે બાથરૂમ માટે જાગી ત્યારે પુત્રી ગાયબ હતી. માતાએ આરોપ લગાવ્યો છે કે, નકાબ પહેરેલા ત્રણ-ચાર બદમાશો આવ્યા અને પુત્રીને બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. દીકરીના મૃત્યુની માહિતી સવારે સોશિયલ મીડિયા દ્વારા મળી છે. પીડિતાની માતાએ જણાવ્યું કે, મૃતક યુવતીની સગાઈ થઈ ગઈ હતી. મૃતકની માતાએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામા આવે તેવી માંગ કરી છે.
CMના રાજીનામાની માંગ : કરૌલીની દલિત યુવતીની હત્યાના કિસ્સામાં ભાજપના પ્રદેશ પ્રભારી અરુણ સિંહે ગૃહ પ્રધાન તરીકે CM અશોક ગેહલોત પાસેથી રાજીનામું માંગ્યું હતું. અરુણ સિંહે કહ્યું કે, છેલ્લા સાડા ચાર વર્ષમાં દલિતો પર અત્યાચારની ઘણી ઘટનાઓ બની છે. રાજસ્થાનમાં એક પછી એક બની રહેલા બનાવો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને કેમ નજરમાં આવતા નથી. તેમણે કહ્યું કે, અમારા સાંસદ ડૉ. કિરોડી લાલ મીણા ઘટનાસ્થળે છે. આવતીકાલે BJPની બીજી રાજ્ય સ્તરીય ટીમ ઘટનાસ્થળે પહોંચશે.
ભાજપના આકરા પ્રહાર : કરૌલીની ઘટના બાદ ભાજપ ગેહલોત સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. પૂર્વ CM વસુંધરા રાજે, કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલ, રાજસ્થાનના પ્રભારી અરુણ સિંહ સહિત ઘણા નેતાઓએ ટ્વીટ કરીને આ ઘટના પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. વસુંધરા રાજે ટ્વીટ કરીને કહ્યું કે, હિંડૌન વિસ્તારમાં એક કૂવામાંથી દલિત યુવતીનો એસિડથી બળી ગયેલ મૃતદેહ મળી આવવાનો મામલો શંકાસ્પદ છે. પ્રશાસને દરેક એંગલથી તપાસ કરવી જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.