- 24 માર્ચથી રાષ્ટ્રીય માર્ગ અને ધોરીમાર્ગ સમિટ 2021નું આયોજન
- વર્ષ 2021-22 માટે માર્ગ નિર્માણનું લક્ષ્યાંક 12 હજાર કિલોમીટર રખાયું
- દરરોજ સરેરાશ 30 કિ.મી. નેશનલ હાઇવેનું નિર્માણ કરવામાં આવે છે
હૈદરાબાદ: રસ્તાઓ તમામ શહેરો, રાજ્યો તેમજ દેશોની જીવનરેખા છે. આ રસ્તાઓ વિકાસનું પ્રથમ માપદંડ છે. ફક્ત આ રસ્તાઓ દ્વારા જ જાહેર અને મૂળ સુવિધાઓ, રોજિંદા આવશ્યકતાઓ વચ્ચેના ભેદને દૂર કરી શકાય છે. તેથી જ નેતાઓના વિકાસના દાવાઓથી લઈને લોકોની સુવિધાઓની માંગણીઓ સુધી રસ્તાઓનો ચોક્કસપણે ઉલ્લેખ કરવામાં આવે છે. આગામી 24 માર્ચથી રાષ્ટ્રીય માર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સમિટ 2021નું આયોજન કરવામાં આવનાર છે. આ વર્ચ્યુઅલ સમિટમાં દેશમાં રસ્તાઓના વિસ્તરણ, ગુણવત્તાની સાથે સાથે આ ક્ષેત્રની નવી તકનિકો પર પણ ચર્ચા કરવામાં આવશે.
દર વર્ષે નેશનલ હાઈવેના નિર્માણ કાર્યમાં વધારો
જો પાછલા એક દશકના આંકડાઓ પર નજર નાંખવામાં આવે તો, વર્ષો પછી માર્ગ નિર્માણમાં વધારો જોવા મળ્યો છે. ટેન્ડર પ્રક્રિયાથી લઈને નિર્માણ સુધીની તેજીનું પરિણામ છે કે, આજે દેશમાં રસ્તાઓનું નેટવર્ક પૂરઝડપે વધી રહ્યું છે. વર્તમાન અને આગામી નાણાકીય વર્ષમાં માર્ગ નિર્માણના આંકડાઓમાં વધારો જોવા મળ્યો છે. પાછલા વર્ષો કરતા વધુ પરિણામ મળવાનું કારણ આવનારા નાણાકીય વર્ષ માટેના લક્ષ્યાંકોને પાછળના વર્ષો કરતા વધુ રાખવામાં આવ્યા છે. વર્ષ 2021-22 માટે માર્ગ નિર્માણનું લક્ષ્યાંક 12 હજાર કિલોમીટર રાખવામાં આવ્યું છે.
દરરોજ બની રહ્યા છે 30 કિ.મી. નેશનલ હાઈવે
છેલ્લા કેટલાક વર્ષોમાં દેશભરમાં રસ્તાના નિર્માણમાં વધારો નોંધાયો છે. જો આપણે છેલ્લા ત્રણ વર્ષના નેશનલ હાઈવે નિર્માણના આંકડા જોઈએ તો દેશમાં સરેરાશ 10 હજાર કિલોમીટર હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં 5 ફેબ્રુઆરી 2021 સુધીમાં કુલ 9,242 કિ.મી. હાઇવે બનાવવામાં આવ્યા હતા. આ રીતે દરરોજ સરેરાશ 30 કિ.મી. નેશનલ હાઇવેનું નિર્માણ કરવામાં આવતું હતું. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નેશનલ હાઈવેના નિર્માણ માટે ફાળવવામાં આવેલા બજેટ અને ખર્ચની માહિતી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં એક સવાલના જવાબમાં આપવામાં આવી હતી. જે મુજબ છેલ્લા વર્ષમાં નેશનલ હાઈવેના નિર્માણ માટે સૌથી વધુ બજેટ ફાળવણી મહારાષ્ટ્રને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
દેશભરમાં ફેલાયેલું છે નેશનલ હાઈવેનું નેટવર્ક
નેશનલ હાઇવે નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે. આ હાઈવેની મદદથી દેશના તમામ ભાગો એકબીજા સાથે જોડાયેલા છે. આ રસ્તાઓના કારણે દિલ્હી, મુંબઇ જેવા શહેરોને આંતરિયાળ ગામડાઓ સાથે જોડી શકાય છે. નેશનલ હાઈવેનું આ નેટવર્ક દરરોજ ફેલાતું રહે છે અને દેશના દરેક રાજ્યોમાં નેશનલ હાઈવે વિસ્તરતા જાય છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ ફાળવવામાં આવે છે. છેલ્લા નાણાકીય વર્ષોના આંકડા દર્શાવે છે કે, દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાઇવેના નિર્માણ માટે યોગ્ય સમયે કરોડોનું બજેટ ફાળવવામાં આવતું હોય છે.