વડોદરા : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખોની જાહેરાત થતાં જ રાજકીય પાર્ટીઓ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ચૂંટણીમાં સૌથી મહત્વનું ફેક્ટર ઉમેદવારને ટિકિટની વહેંચણી કરવાનું હોય છે. ટિકિટ માટે અગાઉથી સોગઠા ફિટ કરાતાં હોય છે. ક્યાંક ટિકીટ ન મળે તો કાર્યકરોમાં અસંતોષ પણ જોવા મળતો હોય છે. કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. જ્યારે 11 આદિવાસી ઉમેદવારો, 7 અન્ય સવર્ણ ઉમેદવારોને ટિકિટ આપી છે. ત્યારે ટિકીટ ન મળતાં કોંગ્રેસના અનેક કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી.
ચૂંટણી પ્રચારના શ્રીગણેશ : મહાનગર વડોદરામાં ચૂંટણી માહોલ બરોબરનો જામ્યો છે. ક્યાંક પાર્ટીનું લોબિંગ ચાલું છે તો ક્યાંક કોઈ ટિકિટ માટે રાત દિવસ એક કરી રહ્યું છે. એવામાં એક સાંધો ત્યાં તેર તૂટી એવી સ્થિતિ વચ્ચે વડોદરા કોંગ્રેસમાં સારી એવી ચહલપહલ જોવા મળી રહી છે. વડોદરા કોંગ્રેસ દ્વારા અકોટા બેઠક પરથી ઋત્વિજ જોશીને ઉમેદવાર જાહેર કરાયા છે. ઋત્વિજ જોશીએ અકોટામાં દાંડિયાબજાર વિસ્તારમાં હઠીલા હનુમાનજી મંદિરમાં દર્શન કરી પ્રચાર શરૂ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા વડોદરાની પાંચ બેઠકો પૈકી ચાર બેઠકો ઉપર ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. ઉમેદવારોએ પોતાના ઇષ્ટ દેવની પૂજા-અર્ચના કરી ચૂંટણી પ્રચાર શરુ કર્યો હતો. જો કે બીજી તરફ ઋત્વિજ જોશીને અકોટા બેઠક પર ઉમેદવાર જાહેર કરાતાં કાર્યકરો નારાજ જોવા મળ્યા હતા. કોંગ્રેસના અનેક કાર્યકરોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
વડોદરા કોંગ્રેસના સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શું જણાવ્યું : વિપક્ષના નેતા અમી રાવતને સયાજીગંજના ઉમેદવાર જાહેર કરાયા છે. જે અંગે વડોદરા કોંગ્રેસના સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "અમી રાવતને વિપક્ષી નેતા બનાવ્યા હતા. બે વખત કોર્પોરેટરની ટિકિટ આપીને મહિલા પ્રમુખ બનાવ્યા હતા. નરેન્દ્ર રાવતને પણ વિધાનસભા-લોકસભાની ટિકીટ આપી ઉપરાંત પ્રદેશના પ્રવક્તા પણ બનાવ્યા હતા. ત્યાર પછી તેમણે વિચારવું જોઈતું હતું કે, બીજાને તક મળવી જોઈએ. આ ભાવના પાર્ટીના કાર્યકરોમાં નહિ આવે ત્યાં સુધી પાર્ટી મજબૂત થવી અઘરી છે. પાર્ટીમાં લોકો મજબૂત થાય- બીજા આગળ વધે એવું સમજીને કાર્ય કરવું જોઈએ.' આ મામલે અમી રાવત પરને સવાલ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, 'એ પાર્ટીએ જોવાનું છે મારે નથી જોવાનું. બધાને ન્યાય મળે એ પ્રમાણેની થવી જોઈએ."
ઋત્વિજ જોશીએ શું કહ્યું : કાર્યકરોની નારાજગીને લઈને ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, "કોંગ્રેસ પક્ષ એક પરિવાર છે. કુટુંબ મોટું હોય ભાઈઓમાં અંદરઅંદર ઝઘડા થાય પણ તેનો અર્થ એ નથી કે બધા નારાજ છે. એમની સાથે વાત કરીશું. અત્યારે પ્રજા માટે લડવાની જરૂર છે. પ્રજાને ન્યાય આપવાની જરૂર છે. ભાજપની અન્યાયરૂપી સરકારથી પ્રજાને મુક્તિ અપાવવાની જરૂર છે. ત્યારે આવી નાની વાતમાં ન પડીને દરેકે ભેગા થવાની જરૂર છે. અને સાથે મળીને ભાજપનો અંત લાવવાની જરૂર છે. વડોદરા પ્રમુખ તરીકે મને 6 મહિના થયા, આજે ફરી હનુમાનના દર્શન કરવા આવ્યો છું. કારણકે ચૂંટણીના મેદાનમાં ઉતારવાનું છે. વડોદરા માટે ઋત્વિજ જોશી નવો ચહેરો નથી, 22વર્ષથી કામ કરું છું. દેશના 11 રાજ્યોમાં પણ ચૂંટણી સમયે સોંપવામાં આવેલી જવાબદારી નિભાવી છે.' આ સાથે તેમણે ટિકીટ આપવા બદલ પક્ષનો આભાર માન્યો હતો."