સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat assembly election 2022) તારીખો જાહેર થઈ ગઈ છે. દરેક શહેરોમાં અને ગામડાઓની ગલીઓમાં ચૂંટણી પ્રચાર (Election campaigning) પણ તેજ બની ગયો છે. ત્યારે મતદાતાઓને (voetrs)આકર્ષિત કરવા માટે ઉમેદવારો અવનવી વસ્તુઓ ચૂંટણી પ્રચાર માટે ખરીદી રહ્યા છે. ઝંડા, ખેસ, બેનર તો એક તરફ પરંતુ આ વખતે મતદાતાઓને આકર્ષિત કરવા માટે મંગળસૂત્ર વાળના બક્કલ, હાથના બ્રેસલેટ અને વીંટી આકર્ષણનું (bracelets and rings have become the center of attraction) કેન્દ્ર બન્યા છે.
કરોડો રૂપિયાનો બિઝનેસ: ગુજરાતમાં 182 વિધાનસભા બેઠક માટે બે ફેસમાં ચૂંટણીનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે. લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવા માટે તમામ પક્ષના ઉમેદવારો પણ પુર જોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણીમાં પ્રચાર સામગ્રીનો કરોડો રૂપિયાનો બિઝનેસ હોય છે અને ટેક્સટાઇલ હબ સુરત સિટીમાંથી ચૂંટણી સામગ્રીની ડિમાન્ડ સૌથી વધુ જોવા મળતી હોય છે. ત્યારે સુરત શહેરમાં ચૂંટણી પ્રચાર માટે જે એસેસરીઝ જોવા મળી રહી છે તેને જોઈ લાગી રહ્યું છે કે આ વખતે ઉમેદવારો પ્રચાર માટે કોઈ કસર રાખવા માંગતા નથી.
મહિલા કાર્યકર્તાઓ માટે અલગ સામગ્રી: મહિલા કાર્યકર્તાઓ માટે દરેક પક્ષ દ્વારા મંગળસૂત્રના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. જેમાં પેન્ડન્ટ ઉપર ઓર્ડર પ્રમાણે કમળ અથવા પંજા કે ઝાડુ જોવા મળશે. એટલું જ નહીં મહિલાઓના વાળ માટે ખાસ બક્કલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પક્ષના ચિન્હ જોવા મળશે. ચારેય બાજુથી હીરા જડિત વીંટી પણ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતમાં ગોયલ એન્ટરપ્રાઇઝીસ દ્વારા દરેક ચૂંટણીમાં ચૂંટણી સામગ્રી બનાવવામાં આવતી હોય છે જે માટે ખાસ તેઓ ઓર્ડર પ્રમાણે અનેક એસેસરી પણ બનાવતા હોય છે. ખેસ, ઝંડા, સાડીની ડિમાન્ડ સાથે આ વખતે મોબાઇલ સ્ટેન્ડ, કાપડ ઉપર લગાવવામાં આવનાર બક્કલ અને બ્રેસલેટ આ વખતે ડિમાન્ડમાં જોવા મળી રહી છે.
બે રીતે સાડી તૈયાર કરવામાં આવે છે: દરેક પાર્ટીનો પ્રચાર કરવા માટે મહિલા કાર્યકર્તાઓ પોતાની શક્તિ લગાવતી હોય છે. આ મહિલા કાર્યકર્તાઓ માટે ઉમેદવારો ખાસ સાડી આપે છે. જેમાં પક્ષના ચિન્હ સાથે નેતાઓની તસ્વીર પણ હોય છે . આ વખતે ડિજિટલ પ્રિન્ટ અને મિલમાં તૈયાર થનાર બે પ્રકારની સાડીઓ બજારમાં જોવા મળી રહી છે. એટલું જ નહીં સમગ્ર શહેરમાં ઉત્તર ભારતીયોની સંખ્યા વધારે હોવાના કારણે ડિજિટલ પ્રિન્ટ વાળી સાડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની તસવીર વાળી સાડીની ડિમાન્ડ વધારે છે.
કચ્છી પ્રિન્ટ વાળા ખેસના ઓર્ડર: અનેક કાપડમાંથી તૈયાર થતા ખેસ નેતાઓ પહેરતા હોય છે. પરંતુ આ વખતે ડિઝાઇનર ખેસની પણ ડિમાન્ડ વધારે જોવા મળી રહી છે. આ વખતે ખેસ પર કચ્છી એમ્બ્રોઇડરી જોવા મળશે. આ ખેસ પર મીરર વર્ક પણ રહેશે જેના કારણે ઉમેદવારો વધુ આકર્ષિત લાગશે.
ઓર્ડર પ્રમાણે તૈયાર કરવામાં આવે છે સામગ્રી: વેપારી મનોજ ગોયલે જણાવ્યું હતું કે, ચૂંટણીની તારીખ જાહેર થતાં ઉમેદવારોને પ્રચારમાં કશું નવું મળી શકે એ માટે અમે અવનવી વસ્તુઓ બનાવી છે. ખાસ કરીને મંગળસૂત્ર ,મોબાઈલ રાખવા માટે સ્ટેન્ડ ,કી-ચેઈન અને બક્કલની ડિમાન્ડ આ વખતે વધારે છે. નોર્મલ ખેસ કરતાં આ વખતે કચ્છી એમ્બ્રોડરી વાળા ખેસની પણ ડિમાન્ડ લોકો કરી રહ્યા છે. જે અમે ઓર્ડર મુજબ બનાવી રહ્યા છે . એટલું જ નહીં જે વિસ્તારમાં પરપ્રાંતીય મતદાતાઓ છે ત્યાં સીએમ યોગીની તસવીરવાળી સાડીઓની પણ ડિમાન્ડ જોવા મળી રહી છે. પાર્ટીના ડિઝાઇન વાળી પાઉચ અને હાર પણ હાલ ડિમાન્ડમાં છે.