પાંચ મહિનાના બાળકે માતાની છત્રછાયા ગુમાવી... - national high way 48 road accident
🎬 Watch Now: Feature Video
વલસાડ: પારડી શહેરના અભિનવ પાર્કમાં પરિવાર સાથે રહેતી અને વાપી ચણોદ ખાતે આવેલી વિનર્સ ઈંગ્લીશ સ્કૂલમાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવતી પાયલ રાધાકૃષ્ણા દત્તા (ઉ.વ. 35) આજ રોજ બુધવારના વહેલી સવારે 6:00 વાગ્યાની આસપાસ પોતાની મોટર પેડ (નંબર GJ15DQ5552) લઈને વહેલી સવારે વાપી સ્કૂલ ખાતે ફરજ પર જવા ઘરેથી નીકળ્યા હતા.
મોતીવાડા પાસે અજાણ્યા વાહને ટક્કર મારી: મોતીવાડા નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેનું વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી શિક્ષિકા પાયલની મોટર પેડને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જયા બાદ અજાણ્યો વાહન ચાલક વાહન લઇ ફરાર થઈ ગયો હતો. ત્યારે બીજી તરફ મોટર પેડ સવાર પાયલ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બનાવ બનતા ત્યાંથી પસાર થતા કોઈક રાહદારીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
સારવારમાં લઈ જવાય તે પેહલા મોત: અકસ્માત બાદ 108માં પાયલને સારવાર મળે તે પહેલા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પારડી પોલીસે મૃતદેહનો કબજો લઈ રેફરલ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે જાણ થતાં પરિવાર જનો અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી પ્રવર્તી હતી.
પાંચ માસના બાળકે માતાની મમતા ગુમાવી: અકસ્માતમાં મોતને ભેટેલ શિક્ષિકાને પાંચ માસનું નાનું માસૂમ બાળક હતું. શિક્ષિકાના મોતની ખબર મળતા જ માસુમ બાળકે નાની વયે માતાની છત્રછાયા ગુમાવી છે. જેને પગલે તેના પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી હતી. હાલ તો મહિલાના મોત અંગે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કર ને વધુ તપાસ હાથ ધરી છે.