અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય એ પ્રમાણેના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. ગતરોજ અઠવાડિયાની શરૂઆતની સાથે જ સોમવારે શહેરના વાસણા વિસ્તારમાં જૂની અદાવતમાં એક વ્યક્તિને હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ બન્યો હતો.
હથિયારના ઘા મારી 22 વર્ષના યુવકની હત્યા: અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં મલાવ તળાવ પાસે રજવાડું હોટલના પાછળના ભાગમાં જીગ્નેશભાઈ મેરૂભાઈ સરગડા નામના 22 વર્ષના યુવકને બે વ્યક્તિ દ્વારા હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી, મળતી માહિતી પ્રમાણે મૃતક જીગ્નેશ અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા જૂની અદાવતને કારણે પહેલા બોલાચાલી થઈ હતી, ત્યારબાદ ઝઘડો મારામારીમાં પરિણમ્યો હતો. ત્યારબાદ સામે પક્ષે એક વ્યક્તિ દ્વારા જીગ્નેશ પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો ત્યારે જીગ્નેશ ત્યાંને ત્યાં ઢળી પડ્યો હતો.
હોસ્પિટલ સારવાર માટે પહોંચતા મૃતક જાહેર કર્યો: જીગ્નેશ પર હુમલો કરીને બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક તથા જીગ્નેશના પરિવારજનો દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મિત્રો વચ્ચે જૂની અદાવતમાં થયો ઝઘડો: હત્યા કરનારા બંને આરોપીની ઓળખ જાંબુ અને સુરજ તરીકે થઈ છે. જે જીગ્નેશના જ મિત્રો હતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. જૂની અદાવતને કારણે તેમના વચ્ચે ઝગડો થયો હતો.
મૃતક જીગ્નેશ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો: આ અંગે વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 'મૃતક જીગ્નેશ અગાઉ છારા રાખવાના અને ચેઈન સ્નેચિંગના ગુના સાથે ઝડપાયો હતો.'
પોલીસ દ્વારા આગળની તપાસ: ઘટનાની જાણ થતા વાસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: