જુનાગઢ: શહેરનો એક બેરોજગાર યુવાન જેને તેના એક મિત્રે સલાહ આપી કે, તું વાંદરો બની જા આ એક સલાહને માનીને જુનાગઢના જેકી વાધવાણી ઉર્ફે મંકી મેન પાછલા 10 વર્ષોથી સફળતાના અનેક કૂદકા મારી રહ્યા છે. જેકી વાધવાણીને ન માત્ર જુનાગઢ કે ગુજરાત, પરંતુ અન્ય રાજ્યોમાં પણ લગ્ન પ્રસંગ કે અન્ય શુભ પ્રસંગોમાં પણ મંકી મેનનું પાત્ર ભજવીને લોકોને અનોખી રીતે મનોરંજન પૂરુ પાડે છે.
મિત્રની સલાહ પર મંકી મેન બન્યો : જુનાગઢના હિતેશ ઉર્ફે જેકી વાધવાણી ઉર્ફે મંકી મેનની સફળતા પાછલા 10 વર્ષમાં અનેક કૂદકાઓ મારીને આગળ વધી રહી છે. મુળ જુનાગઢના હિતેશ વાધવાણીએ જણાવ્યું કે, આજથી 10 વર્ષ પૂર્વે જુનાગઢમાં ફ્રુટના વેપારીને ત્યાં માત્ર 300 રુપિયે નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. તે દિવસોમાં કરેલી મજૂરીનું વળતર માત્ર 300 રુપિયા આજ સંઘર્ષથી તેમનું જીવન ચાલી રહ્યું હતું. એક દિવસમાં માત્ર રુ. 200ના ફળ વેચાયા ત્યારે ખૂબ જ ઉદાસ થયો એટલે મિત્ર પાસે સલાહ લેવા ગયો. મિત્ર એ સલાહ આપી કે તુ વાંદરો બની જા બસ એ સલાહ, જેને લીધે આજે મંકી મેનને પાછલા 10 વર્ષથી સફળતાના અનેક કૂદકાઓ મરાવી રહી છે. માત્ર 200 રુપિયા મજૂરીની આવકથી શરૂ થઈને આજે મંકી મેન એક દિવસનો એક શો કરીને અંદાજિત 8 થી 10 હજાર રૂપિયા કમાઈ લે છે.
પરિવારની આવકનું એકમાત્ર સાધન મંકી મેન: હિતેશ વાઘવાણીના પરિવારના માતા-પિતા અને બહેન છે. તેમના પિતા મજૂરી કરીને અન્ય ખર્ચ ઉપાડે છે. હાલ પરિવારની આવકનો એક માત્ર સાધન મંકીમેનનું કિરદાર છે. હિતેશ વાધવાણી મંકીમેનનું પાત્ર ભજવીને ઘરની અર્થ વ્યવસ્થાને જાળવી રાખવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હિતેશ વાધવાણી ઉર્ફે જેકી વાધવાણીએ ધોરણ 8 સુધીનો અભ્યાસ કરેલો છે. જુનાગઢમાં ફ્રૂટ વેચીને ગુજરાન ચલાવતા હિતેશ ઉર્ફે જેકી વાધવાણી ઉર્ફે મંકી મેન પાછલા 10 વર્ષથી વાંદરાનું રુપ ધારણ કરીને લોકોના પ્રસંગોમાં મનોરંજન પૂરુ પાડે છે. જેમાં તેમને લગ્નના રિસેપ્શન કે કોઈ સારા પ્રસંગોમાં પણ બોલાવવામાં આવે છે. જે પ્રસંગમાં લોકોને વાંદરાની જેમ મનોરંજક ચેષ્ટાઓ કરીને મનોરંજન આપે છે.
જીવનનો ધ્યેય આંતરરાષ્ટ્રીય કલાકાર બનવું: જેકી વાઘવાણી ઉર્ફે મંકી મેન જીવનમાં એક સારા આંતરરાષ્ટ્રીય કલાકાર બનવાની ઈચ્છા રાખે છે. આજથી 10 વર્ષ પૂર્વે મિત્રની સલાહ માનીને પ્રથમ વખત અષાઢી બીજના દિવસે ભાવનગરમાં આયોજિત રથયાત્રામાં તેણે મંકી મેનનું પાત્ર ભજવીને સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ત્યારથી મનોરંજન સાથેની મંકી મેનની આ સફળતા શરૂ થઈ ઘરના મોટાભાગના સભ્યો શરૂઆતના દિવસોમાં આ પ્રકારનું પાત્ર ધારણ કરીને ફરવાને લઈને વિરોધ પણ વ્યક્ત કરતા હતા. પરંતુ આજે પરિવારના તમામ સભ્યો તેના કામમાં ન માત્ર સહકાર આપી રહ્યા છે પરંતુ તેને આગળ વધવાની સલાહ પણ આપે છે.
મંકી મેન પર બની છે એક ફિલ્મ 'લંગુર': મંકી મેનના પાત્ર સાથે એક ફિલ્મ પણ બની છે. જેનું નામ છે 'લંગુર' આ ફિલ્મ હૈદરખાન અને અનિલ ચૌધરી દ્વારા બનાવવામાં આવી છે. આ જ પ્રકારે મનોરંજનની સાથે ચલચિત્રની દુનિયામાં પણ કામ કરવાની ઈચ્છા મંકી મેન ધરાવે છે. જીવનના અંતિમ સમય સુધી આ જ પ્રકારે મંકી મેનનું રૂપ ધારણ કરીને પાત્ર ભજવવાની તેની તૈયારી છે. તેઓ માને છે કે, આગામી વર્ષોમાં મંકી મેનના પાત્ર પર એક પૂર્ણ ચલચિત્ર બનશે. તેવા ભરોસા સાથે આજે જેકી વાઘવાણી લગ્ન રિસેપ્શન અને શુભ પ્રસંગોમાં આયોજિત થતી પાર્ટીમાં લોકોનુ મનોરંજન કરાવીને સફળતાની યશગાથા લખી રહ્યો છે.
આ પણ વાંચો: