Porbandar News: ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ આજે 30મી જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિન. આજના દિવસે ગાંધીજીનું ગોળીબારમાં મૃત્યુ થયું હતું. સમગ્ર રાજ્ય જ નહિ પરંતુ દેશમાં ગાંધીજી વિષયક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં કીર્તિમંદિર ખાતે પણ આજે સાંજે 5.00 થી 5:45 કલાક દરમિયાન પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થના સભામાં ગાંધીજીને પ્રિય એવા પ્રાર્થનાઓ, ભજનો અને ધૂનોની સંગીતમય રજૂઆત કરવામાં આવી હતી. પ્રાર્થનાસભાની શરુઆતમાં કલેક્ટર કે.ડી. લાખાણી સહિત મહાનુભાવોએ ગાંધીજીને પુષ્પાંજલિ આપી હતી.
મહાનુભાવોનો મેળાવડોઃ ગાંધીજીના જન્મ સ્થળ એવા કીર્તિ મંદિર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં મહાનુભાવોને મેળાવડો જામ્યો હતો. જેમાં કલેક્ટર ઉપરાંત નગર પાલિકા પ્રમુખ ચેતના નિવારી, ઈતિહાસવિદ નરોત્તમ પલાણ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી, એસપી, અગ્રણીઓ, મહાનુભાવો, ગાંધી વિચારધારાના અનુયાયીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને મીડિયા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાંત અધિકારી સંદીપ જાદવે કર્યુ હતું. તેમજ નિરવ જોશી અને શિક્ષકોની ટીમ દ્વારા ભાવમય પ્રાર્થનાઓની સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ગાંધીમય બની ગયું હતું.