સુરત : લોકસભા ચૂંટણી 2024 પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અગાઉ બંને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ 18 એપ્રિલના રોજ બંને આપમાંથી રાજીનામું આપ્યું હતું. નોંધનીય છે કે, બંને પાટીદાર નેતાએ વરાછા વિસ્તારથી પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરી હતી.
પાટીદાર આંદોલનનો ચહેરો : અલ્પેશ અને ધાર્મિક પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ચહેરામાંથી એક હતા. આંદોલનના કારણે આ બંને સરકારની વિરુદ્ધ હતા. પોતાના નિવેદનોને કારણે તેઓ હંમેશાંથી ચર્ચામાં રહ્યા છે. અલ્પેશ કથીરિયાએ સરકાર વિરુદ્ધ અનેકવાર નિવેદન આપ્યા છે અને જેલ પણ જઈ ચૂક્યા છે.
અલ્પેશ-ધાર્મિક ભાજપમાં જોડાયા : વર્ષ 2015માં અનામત આંદોલનના માધ્યમથી લાઈમલાઈટમાં આવનાર આ બંને નેતાઓએ પાટીદાર સમાજના યુવા વર્ગને હંમેશાથી આકર્ષિત કર્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તાજેતરમાં જ રાજીનામું આપ્યું અને હવે કમળ અપનાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેરી બંને પાટીદાર નેતા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરીશું : અલ્પેશ કથીરિયા
આ સમગ્ર મામલે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, આજે અમારા વકીલ મિત્રો, સમાજ માટે અને આંદોલન માટે પણ કાર્યરત રહી ચૂકેલા 200થી પણ વધુ લોકો ભાજપમાં જોડાયા છે. આવનાર દિવસોમાં અમે સમાજહિત અને રાષ્ટ્રહિત માટે કાર્ય કરીશું. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નારાજગી નથી અને આવનાર દિવસોમાં પાર્ટી જે પણ કાર્ય આપશે તે કાર્યકર્તા તરીકે અમે નિભાવીશું. વડાપ્રધાન મોદી યુગપુરુષ છે અને તેઓએ રામ મંદિર સહિત અન્ય મુદ્દાઓ જે રીતે પૂર્ણ કર્યા છે, તેના કારણે અમે ભાજપમાં જોડાઈ રહ્યા છીએ.
રાષ્ટ્રલક્ષી વિચારથી પ્રેરાઈને ભાજપમાં જોડાયો : ધાર્મિક માલવિયા
આ સમગ્ર મામલે ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રહિતના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. તેઓએ ભવ્ય રામ મંદિર બનાવ્યું, આવી રાષ્ટ્રલક્ષી વિચારથી પ્રેરાઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. આમ આદમી પાર્ટી છોડવાનું ખાસ કારણ નહોતું. દેશમાં જે રાષ્ટ્રહિતના નિર્ણય લેવાઈ રહ્યા છે, તેનાથી પ્રેરાઈને અમે ભાજપમાં જોડાયા છીએ.
અલ્પેશને ઘણીવાર મળી ચૂક્યો છું : સીઆર પાટીલ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું કે, વર્ષ 2022 ના ચૂંટણી સમયે અલ્પેશ સાથે મળવાનું થયું હતું. હું અલ્પેશને ઘણીવાર મળ્યો છું. અત્યાર સુધી આ વાત તેણે કોઈને કહી નથી અને મેં પણ કોઈને કહી નથી, જ્યાં એક નૈતિકતા જળવાઈ છે. હાલ આ દેશ સ્વર્ણ કાળમાંથી પસાર થઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપને સૌથી આગળ લઈ જવામાં સૌરાષ્ટ્રવાસીઓનો મોટો ફાળો છે. વરાછાનો માનગઢ ભાજપનો મોટો ગઢ છે.